Get The App

પોલીસકર્મીઓ જ દંડાયા! પરેડમાં હાજર ન રહેતા 250 કર્મીને IPS અધિકારીએ ફટકાર્યો આર્થિક દંડ

Updated: Feb 24th, 2025

GS TEAM

Google News
Google News
Policemen Fined by IPS Officer

Policemen Fined by IPS Officer: અમદાવાદના એક IPS અધિકારીએ લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓને પરેડમાં નહીં ગયા હોવાથી કે પરેડમાં લેટ પડ્યા હોવાનું જણાવીને નોટિસ આપીને રૂપિયા 500થી માંડીને 2000 સુધીનો દંડ ફટકારતાં સોપો પડી ગયો છે. કર્મચારીઓમાં આ અધિકારી સામે આક્રોશ છે પણ IPS અધિકારીએ દંડની રકમ સત્તાવાર રીતે સરકારમાં જમા કરાવવા આપી દીધી હોવાથી કોઈ બોલી શકે તેમ નથી. 

આ પોલીસ અધિકારીએ શિસ્તને લગતી આંતરિક બાબત હોવાથી સત્તાવાર રીતે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અનેકવાર ચેતવણી છતાં પરેડમાં ગાપચી મારતા કર્મચારીઓની સામે જ કડક બનીને એમને નોટિસ કે મેમો ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.

આ યુવાન IPS અધિકારીએ પોતાનો ACR ઉચ્ચ અધિકારીઓને સારો બતાવવા માટે 250 જેટલા પોલીસ કર્મચારીઓને મેમો આપ્યા હોવાનો ગણગણાટ છે પણ કોઈની ફરિયાદ કરવાની કે સામે બોલવાની હિંમત થતી નથી. અધિકારીએ હવે પછી આ પ્રકારની ગેરશિસ્ત નહીં ચલાવાય એવી ચીમકી પણ આપતાં આ ઝોનમાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે અને બધાં ચૂપ છે. 

આ અંગે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક પોલીસ કર્મચારીઓએ દાવો કર્યો કે, અમને નોટિસ કે મેમો આપતાં પહેલા અમારો કોઈ પણ જાતનો ખુલાસો પૂછ્યા વગર અમને આડેધડ દંડ ફટકાર્યો છે. આ અધિકારીનો નિર્ણય ખોટો હોવાનું પોલીસ કર્મચારીઓ અંદરખાને કહી રહ્યા છે પણ જાહેરમાં કોઈ કશું કહી રહ્યું નથી.  

પોલીસ કર્મચારીઓની અંદરો અંદર ચાલતી ચર્ચા મુજબ કોઈ અધિકારીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો હોવાથી તેમનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. તેની સીધી અસર કામગીરી ઉપર પડશે. ઘણા પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે, લો ઍન્ડ ઑર્ડર અને ડિસિપ્લિનના નામે કેટલાક ઉચ્ચ અધિકારીઓ નાના પોલીસ કર્મચારીઓને દબાવી રહ્યા હોવાનું આ તાજું ઉદાહરણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત

ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, પરેડમાં હાજર નહીં રહેનારને દંડ ફટકારીને કશું ખોટું કરાયું નથી. પોલીસ કર્મચારીઓએ સપ્તાહમાં બે દિવસ પરેડમાં જવું જ જોઈએ એવો નિયમ છે. આ નિયમ નહીં પાળનાર સામે શિસ્તભંગનાં પગલાં જરૂરી છે. પોલીસમાં શિસ્ત ના હોય તો કોઈ અર્થ નથી. 

વ્યક્તિગત રીતે પણ પરેડ કર્મચારીઓ માટે સારી બાબત છે. પોલીસ પરેડમાં જાય તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને પોલીસ ડિસિપ્લિનમાં રહેવા માટે ટેવાય છે. શરીરથી ફીટ પોલીસ દોડાદોડી કરી શકે છે અને ગુનેગારોને પકડવા માટે પણ સજજ રહે છે. આ કારણે મહિનામાં ચાર દિવસ તો પરેડમાં દરેક પોલીસ કર્મચારીએ એ જવું જ જોઈએ. 

ઘણા ખાઈ બદેલા કર્મચારીઓને પરેડ કરવી ગમતી નથી. તેમને ઉચ્ચ અધિકારી દ્વારા વારંવાર કહેવામાં આવતું હોવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી. આ કારણે આ IPS અધિકારી કડક બન્યા હોવાનું પોલીસબેડામાંથી જ જાણવા મળ્યું છે.

પોલીસકર્મીઓ જ દંડાયા! પરેડમાં હાજર ન રહેતા 250 કર્મીને IPS અધિકારીએ ફટકાર્યો આર્થિક દંડ 2 - image