સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદે કાર્બોસેલ સહિત ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ દરમિયાન મુળી તાલકુાના ખાખરાળા ગામની સીમમાં બુધવારે (છઠ્ઠી ઓગસ્ટ) ગેરકાયદે ખનીજ ભરેલ લોડર કૂવામાં ખાબકતા લોડરચાલકનું મોત નિપજ્યું હતું. જોકે, આ બનાવના 40 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો હતો.
સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા લોડર કૂવામાં ખાબક્યું હતું
મળતી માહિતી અનુસાર, મુળીના ખાખરાળા ગામની સરકારી જમીનમાં બુધવારે (છઠ્ઠી ઓગસ્ટ) કાર્બોસેલના કૂવાઓની બાજુમાંથી સેન્ડ સ્ટોન તથા ફાયર ક્લે ખનીજના ઢગલાઓ 20 વર્ષીય અજય બોહકિયા લોડર મારફતે ભરી રહ્યો હતો. સરકારી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલના કૂવા નજીકથી લોડર પસાર થયું હતું. આ દરમિયાન સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા લોડર સહિત ચાલક અજય બોહકિયા ઊંડા કૂવામાં ખાબકતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનો સહિત અધિકારીઓ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી મૃતદેહ તેમજ લોડરને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.
કૂવાની અંદર લોડર નીચે મૃતદેહ ફસાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરંતુ ઘટનાના 40 કલાક બાદ રાજકોટ ફાયર વિભાગની ટીમને ક્રેનની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
તંત્રની બેદરકારી સામે આવી!
ઉલ્લખનીય છે કે, મુળી તાલુકામાં ગેરકાયદે ખનીજ સંપતિના ખનન દરમિયાન એક વ્યક્તિના મોતનો મેસેજ સોશિયલ મીડિયા પર બુધવારે સાંજે વાઈરલ થયા હતા. પરંતુ તંત્રને જાણે ગંભીરતા ન હોય તેમ મોડું મોડું જાગ્યું હતું અને રાત્રે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથધરી હતી. નોંધનીય છે આ ઘટના બાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.