અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોત, વન વિભાગ સામે ઉઠ્યા સવાલો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lion Cub Deaths: અમરેલી જિલ્લામાં છેલ્લા માત્ર 24 કલાકમાં જુદી જુદી રેન્જમાં કુલ 3 માસૂમ સિંહબાળોના મોતના અહેવાલ સામે આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. એક તરફ સિંહો દ્વારા માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ 24 કલાકમાં 3 સિંહબાળોના મોત થતાં વન વિભાગની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
બગસરાના હામાપુરમાં એક દિવસના સિંહબાળનું મોત
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામેથી વધુ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. આ માત્ર એક જ દિવસના સિંહબાળનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
ધારીની પાણીયા રેન્જમાં ઇન્ફાઇટમાં એક વર્ષના સિંહબાળનું મોત
બીજી તરફ, ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાંથી આશરે 1 વર્ષની ઉંમરના એક સિંહબાળનું મોત નીપજ્યું હતું. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઇન્ફાઇટ (In-fight) દરમિયાન ગંભીર ઇજાઓ થવાના કારણે આ સિંહબાળનું મોત થયું છે. આ ઉપરાંત દલખાણીયા રેન્જ વિસ્તારમાંથી પણ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ, દલખાણીયા રેન્જ, પાણીયા રેન્જ અને બગસરાના હામાપુરમાં થઈને છેલ્લા 24 કલાકમાં જ 3 સિંહબાળોના સત્તાવાર મોત નોંધાઈ ચૂક્યા છે.









