મોંઘવારી વચ્ચે વાલીઓ માટે માઠા સમાચાર, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
મોંઘવારી વચ્ચે વાલીઓ માટે માઠા સમાચાર, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો 1 - image


School Van And Rickshaw Fares Hike: રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. આરટીઓમાં પાસિંગ ખર્ચનો બોજ, ઇન્સ્યોરન્સ અને પરમિટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. નોંધનીય છે શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર 13મી જૂનથી જ શરૂ થઈ જશે. 

નવો ભાવ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કરાયો છે. સ્કૂલ વાન વર્ધીના અત્યાર સુધી એક કિ.મી.ના અંતરનું ભાડું 1000 રૂપિયા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતું હતું. જે હવે વધારા બાદ 1200 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત પાંચ કિ.મી.ના રૂપિયા 1800થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે રિક્ષામાં એક કિ.મી.ના અંતરનું ભાડું 650 રૂપિયા વસૂલવામાં આવતું હતું. જે હવે 750 રૂપિયા ચૂકવવા પડશે. બે કિ.મી.ના રૂપિયા 750થી વધારી 850 રૂપિયા કરવામાં આવ્યા છે. પાંચ કિ.મી.નું ભાડું રૂ. 1050થી વધારી 1150 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવો ભાવ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ આરટીઓ દ્વારા સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ પાર્સિંગમાં રૂપિયા 50 હજાર સુધીનો જેટલો ખર્ચ થઈ રહ્યો છે, જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં નિર્ણય લીધો છે. 


Google NewsGoogle News