શહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રક પલટી જતાં 2 યુવાનના કરૂણ મોત

- લીંબડિયું વિસ્તારમાં સવારના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ
- સાઈટ પર બાંધકામ શરૂ હતું ત્યારે અચાનક ટ્રક પલટી ગયો, ફાયર, પોલીસ, 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
આ દુર્ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, ભાવનગર શહેરના ઘોઘાસર્કલ પાસે ઘોઘારોડ પોલીસ મથકની સામે લીંબડિયું વિસ્તારમાં આવેલી ઘનશ્યામસિંહ ગોહિલની નીલછાંવ નામની કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી હતી. આ સાઇટ પર સ્લેબ ભરવા માટેનું મટીરિયલ મંગાવવામાં આવ્યું હતું. દરમિયાનમાં વિપુલભાઈની માલિકીનો આરએમસીનો ટ્રક નંબર જીજે-૦૩-બીઝેડ-૩૬૩૩ લોડ કરી ડ્રાઈવર અનિલભાઈ પટેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવ્યા ત્યારે લોડ કરેલું મિક્ષ્ચર મશીન પલટી મારી ગયું હતુ. મિક્સરની નીચે સાઇટ પર કામ કરી રહેલા લોકો દબાયા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ભાવનગર ફાયર વિભાગનો સ્ટાફ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને મિક્ષ્ચર તળે દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ફાયર સ્ટાફે હાઇડ્રોલિક ટુલ્સ વડે મિક્સરને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મિક્સચરમાં સિમેન્ટ કોંક્રેટનો માલ ભરેલો હોવાને કારણે મિક્ચર હલી શક્યું ન હતું. દરમિયાનમાં ફાયર બ્રિગેડ સ્ટાફે ત્રણ ક્રેન , દોરડા અને એર બેગની મદદ વડે મિક્સરને ઉઠાવી લીધું હતું અને ટ્રક તળે દબાયેલા ભુપતસિંહ રવુભા ગોહિલ (ઉ.વ ૪૦, રહે.ભિકડા તા.ઘોઘા) અને સુપર્વાઈઝર હિરેનભાઈ ભરતભાઈ મહેતા (ઉ.વ ૨૬ રહે. માધવ વિહાર-૨, ટોપ થ્રી સર્કલ પાસે) ને ઈજાગ્રસ્ત હાલતે બહાર કાઢી ઈમર્જન્સી ૧૦૮ મારફત ભાવનગરની સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને ભુપતસિંહ રવુભા ગોહિલના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ જતાં લોકોના ટોળા વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સાઈટ પર સેફ્ટી માટેના કોઈ સાધન ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવો અંગે ઘોઘા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દોઢ કલાકની જહેમત બાદ ટ્રક નીચે દબાયેલા બન્નેને બહાર કઢાયા
ફાયર બ્રિગેડના મોટા કાફલા સાથે દોઢ કલાકની જહેમત બાદ ત્રણ ક્રેન દોરડા અને એર બેગની મદદ વડે મિક્સર તળે દબાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા હતા, જ્યાં બન્નેના મોત નીપજ્યા હતા.

