ટ્રેકટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા મહિલા સહિત 2 વ્યક્તિના મોત

મુળીના જેપર ગામ પાસે અકસ્માત
અકસ્માતમાં અન્ય એકને ઇજા - ધ્રાંગધ્રાના પીપળા ગામના બે વ્યક્તિના મોત નીપજતા શોકનો માહોલ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવકોના મોતના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મુળી તાલુકાના જેપર ગામના પાટિયા પાસે ટ્રેકટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા રોહિતભાઈ ગેલાભાઈ માલકીયા અને ગીતાબેન ગેલાભાઈ માલકીયા સહિત ત્રણ વ્યક્તિ બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન મુળી તાલુકાના જેપર ગામના પાટિયા પાસે ટ્રેકટરના ટ્રેલર સાથે બાઈક ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર રોહિતભાઈ માલકીયા અને ગીતાબેન માલકીયાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં લોકોના ટોળાં તેમજ વાહનચાલકો સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ ટ્રેકટર ટ્રોલી સાથે રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. જ્યારે અકસ્માતમાં એક જ પરિવારના બે વ્યક્તિના મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

