રાજકોટમાં 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા
Rain In Rajkot : રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે (3 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે ગુરુવારે 6 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટમાં 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.
રાજ્યમાં આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ, જામનગરના જોડિયામાં 3.98 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી શહેરમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ બાદ અચાનક બપોરથી કાળાડિબાંગ વાદળો-ઠંડા પવન અને ધોધમાર વરસાદ શરુ થયો હતો. જેમાં 3 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજકોટના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે માત્ર બે ઇંચ વરસાદમાં શહેર આખું પાણી-પાણી થતાં ઠેર-ઠેર રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.