Get The App

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હા નોંધાયા

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હા નોંધાયા 1 - image

Jamnagar Land Grabbing : જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલો પાર્જિત મિલકત પૈકીની જમીન પચાવી પાડવા અંગે એક મહિલાએ પોતાના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જયારે લાલપુર તાલુકાના બાધલા ગામમાં આવેલી ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી લેવા અંગે એક પટેલ ખેડૂતે પોતાના જ બે ભત્રીજાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં મયુર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના 58 વર્ષના પટેલ ખેડૂતે લાલપુર પોલીસ મથકમાં પોતાની બાધલા ગામમાં આવેલી પાંચ વીઘા ખેતીની જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી લઈ જમીન પચાવી પાડવા અંગે પોતાના જ ભત્રીજા નયન રમેશભાઈ કથીરિયા અને વિમલ રમેશભાઈ કથીરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના બંને ભત્રીજાઓ કે જેઓ હાલ દુબઈ કતારમાં રહે છે, અને તેઓએ પોતાની જમીનમાં વાવેતર કરવા માટે થોડો સમયની માંગણી કર્યા બાદ જમીન ખાલી કરીને પરત આપી ન હતી, જેથી અગાઉ પોલીસમાં અરજી કરી હતી.

જે તે સમયે તેઓએ લખાણ કરી આપ્યું હતું, કે થોડા સમયમાં જગ્યા ખાલી કરી આપશે. પરંતુ હજુ સુધી જગ્યા ખાલી કરી ન હોવાથી આ મામલે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને તેના રિપોર્ટમાં ઉપરોક્ત જગ્યા બંને આરોપીઓ દ્વારા કબજો કરીને રાખવામાં આવી હોવાનું જાહેર થયું હતું, જેથી બંને ભાઈઓ સામે લાલપુર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે લાલપુર  વિભાગના પ્રોબેશનલ અધિકારી પ્રતિભા રાવ તપાસ ચલાવી રહ્યા છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટનો બીજો ગુનો જામનગર નજીકના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. મૂળ જામનગરના વતની અને હાલ વડોદરામાં પરણીને રહેતા શોભનાબેન હિતેશભાઈ પટેલ નામના 55 વર્ષીય મહિલાએ જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી પોતાની વારસાઈ મિલકત પૈકીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી મકાનો બનાવી લઈ વસવાટ કરવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈઓ ધીરુભાઈ દેવશીભાઈ ચોવટીયા, જયંતીભાઈ દેવશીભાઈ ચોવટીયા, અને રતિલાલ દેવશીભાઈ ચોવટીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શોભનાબેન કે જેઓ મૂળ જામનગરના વતની છે, અને વડોદરામાં લગ્ન થયા છે. જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં તેઓની વારસાઈ જમીન આવેલી છે. જે જમીન તેઓએ પોતાની માતા પાસેથી ખરીદ કરેલી હતી, અને પોતાનો કબજો પણ હતો. તે જમીનમાં તેણીના જ ત્રણ પિતરાઈ ભાઈઓ કે જેઓએ ગેરકાયદે મકાન બનાવ્યા હતા, અને કબજો કરી લીધો છે. ઉપરાંત ઈંટો તથા માલ સામાન રાખીને અન્ય જગ્યામાં દબાણ કરી લીધું છે. જે જમીન ખાલી કરવાનું કહેતા તેઓએ ખાલી કરીને ન હોવાથી જામનગરના જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસના અંતે પોલીસ રિપોર્ટ તૈયાર કર્યા બાદ ઉપરોક્ત જગ્યામાં ગેરકાયદેસર કબજો હોવાથી ત્રણેય ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.