14 વર્ષની કિશોરીને માતા બનાવનાર 19 વર્ષીય આરોપીને 20 વર્ષની સખતકેદ

સુરત
યુપીવાસી આરોપીને દોષી ઠેરવી રૃા.50 હજાર દંડ પણ ફટકારાયો ઃ ભોગ બનનાર કિશોરીને રૃા.3.50 લાખ વળતર ચૂકવવા નિર્દેશ
એકાદ
વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને એકથી
વધુ વાર દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવનાર 19 વર્ષીય
યુપીવાસી આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન
એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-5(એલ)(ક્યુ)
સાથે વાંચતા કલમ-6 સાથે વાંચતા બીએનએસની કલમ-64(2(એમ)ના ગુનામાં 20 વર્ષની
સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ
એક વર્ષની કેદ તથા ભોગ બનનારને દંડની રકમમાંથી 45 હજાર તથા 3.50 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો
છે.
સચીનજીઆઈડીસી પોલીસ મથકની હદમાં રહેતા ફરિયાદી પિતાએ ગઈ તા.10-7-24ના રોજ પોતાની 14 વર્ષની પુત્રી સોસાયટીમાં ઘઉંનો લોટ દળાવવા ઘંટીએ ગયા બાદ પરત ન ફરતાં અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ફરિયાદીના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં લખેલા નંબરને ટ્રેસ કરતાં મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના કીરાવના વતની 19 વર્ષીય આરોપી અંશુસિંગ રામસેવક ચૌહાણનો નીકળ્યો હતો. જે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. એક મહિના કરતા વધુ સમય પોતાની સાથે વતનમાં રાખીને શારીરિક સબંધો બાંધી સગર્ભા બનાવી કુંવારી માતા બનાવી હતી.
બંનેને યુ.પી.થી ઝડપીને આરોપીની ધરપકડ બાદ કેસ કાર્યવાહીમાં બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે પીડીતા તથા આરોપી ડાઈંગ મીલમાં સાથે કામ કરતાં હોઈ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. ભોગ બનનાર સ્વૈચ્છાએ તેમની સાથે વતન ગઇ હતી અને સંમતીથી શરીર સબંધ બાંધ્યા હતા. પીડીતા સગીર હોવાનું પુરવાર કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહ્યો હોઈ પુરતા પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવવા જોઇએ. જ્યારે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 13 સાક્ષી તથા 36 દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે, પીડીતા બનાવ સમયે 14 વર્ષની હોવાનું જાણવા થતાં આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવીને મુગ્ધાવસ્થાનો ગેરલાભ લઈને એકથી વધુવાર શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી છે. આરોપીએ પીડીતાના કુંવારી માતા બનાવતા જન્મેલી બાળકીનો બાયોલોજીક પિતા હોવાનું પણ પુરવાર થયું છે. પીડીતા સગીર હોવાથી તેની સંમતિ કાયદામાં માન્ય રાખી શકાય નહીં.
કોર્ટે આરોપી અંશુસિંહ ચૌહાણને દોષી ઠેરવી ઉપરોક્ત કલમ હેઠળ મહત્તમ સજા તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.
14
વર્ષની બાળકીને કુંવારી માતા બનાવવાના આરોપીના કૃત્યને હળવાશથી ન લઈ
શકાયઃકોર્ટ
સજામાં રહેમની આરોપીની માંગને નકારીને કોર્ટે જણાવ્યું હતું કે આરોપીને બનાવના દોઢેક વર્ષ અગાઉથી પીડીતાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવીને એક બાળકીની માતા બનાવી છે. જેના ડીએનએ રિપોર્ટમાં આરોપી બાળકીનો જૈવિક પિતા હોવાનું પુરવાર થયું છે. આજકાલ સગીર બાળા તથા સ્ત્રીઓ વિરુધ્ધના ગુનાનુ પ્રમાણ વધી રહ્યું હોઈ આવા ગુનાને હળવાશથી લેવાને બદલે સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા-દંડ કરવા ન્યાયી છે. અત્રે નોંધનીય છે કે આરોપીએ ફર્ધર સ્ટેટમેન્ટના સ્ટેજ વખતે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં પીટીશન કરી હોવાનો સ્ટેટસ રિપોર્ટ રજુ કર્યો હતો. પરંતુ સ્ટેનો હુકમ મેળવ્યો ન હોઈ કોર્ટે કેસ કાર્યવાર્હી અનિશ્વિત સમય માટે મુલત્વી રાખવાનો ઈન્કાર કર્યો હતો.

