VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી
Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી પસાર થતાં બસ રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જોખમાઈ રહી છે. શહેરાથી છોગાળા તરફ જતી ST બસમાં નિયમિતપણે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગંભીર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.
ST બસમાં જગ્યાના ત્રણ ગણા મુસાફરો ભર્યા
ST બસનો રૂટ ગોધરાથી શરૂ થઈને ભોટવા, શેખપુર, જોધપુર, જેથરીબોર થઈને છોગાળા સુધીનો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ, બસની ક્ષમતા માત્ર 52 સીટોની હોવા છતાં બસમાં 170 મુસાફરો એટલે કે ત્રણ ગણાથી પણ વધુ લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા. આ દ્રશ્યો એટલા ભયાવહ હોય છે કે, સીટ પર જગ્યા ન મળતાં અનેક વિદ્યાર્થીઓ બસની કેબિનમાં પણ ઊભા રહેવા મજબૂર બને છે.
ST બસ સેવાને "એસ.ટી. અમારી સલામત સવારી"ના સ્લોગન સાથે ઓળખવામાં આવે છે, પરંતુ શહેરા-છોગાળા રૂટ પરની આ સ્થિતિ આ સ્લોગનને પડકારી રહી છે. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાવાથી બસનું સંતુલન બગડી શકે છે. તેમજ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના જીવ સાથેનો આ ખેલ ક્યાં સુધી ચાલશે? શું આ માટે વાહન વ્યવહાર વિભાગ કે પછી સંબંધિત એસ.ટી. ડેપો જવાબદાર રહેશે? આ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.
સ્થાનિકો અને વાલીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાની શાળા-કોલેજ પહોંચી શકે. આ ઘટનાએ એસ.ટી. વિભાગના સંચાલન અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.