Porbandar News : પોરબંદરમાં 163 કરોડના સાયબર કૌભાંડ કેસ હાર્બર મરીન પોલીસે કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 4 મહિના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ પોરબંદર કોર્ટમાં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં હજુ 6 આરોપીને પકડવાના બાકી દર્શાવીને ફરાર જાહેર કર્યા છે. હીરલબા સહિત ટોળકી સામે કુલ 130 જેટલી સાઈબર ક્રાઇમની અલગ-અલગ રાજ્યમાં ફરિયાદો નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજા સહિતના આરોપી વિરૂદ્ધમાં ત્રણ મહિના પહેલા સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં બેન્કના ખાતા ખોલી સાયબર ફ્રોડ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં નોંધવામાં આવ્યું હતું કે, વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં મેળવીને સગેવગે કર્યા હતાં. આ સિવાય કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ 4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમે ફરિયાદી બની દાખલ કર્યો ગુનો
સમગ્ર બાબતે પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે, હીરલબા જાડેજા અને તેમના અન્ય કેટલાંક સાથીદારોએ નાના-નાના માણસોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા અને તેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો હતો, તે સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમની કેન્દ્રીય લેવલની જે સિન્ડિકેટ છે, તે અંતર્ગત આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. તેથી, ક્રાઇમ બ્રાન્ચે હીરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B) અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


