DEOને જવાબ આપવા સેવન્થ ડે સ્કૂલના સંચાલક ન આવ્યા, પટાવાળાને મોકલ્યો, 160 વિદ્યાર્થીએ નામ રદ કરાવ્યાં
Seventh Day School : સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા છે. અમદાવાદ શહેર DEO દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધારા-પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરાયો છે. આ દરમિયાન DEOને જવાબ આપવા સેવન્થ ડે સ્કૂલના સંચાલક ન આવ્યા અને પટાવાળાને મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં વાલીઓએ સ્કૂલમાંથી બાળકોના LC માટે ઈન્ક્વાયરી કરી છે. જેમાં 160 વિદ્યાર્થીએ નામ રદ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાથી વિદ્યાર્થીના વાલીમાં ભય જોવા મળી રહ્યો છે, ત્યારે સ્કૂલમાંથી બાળકોના એડમિશન ટ્રાન્સફર કરવાની વાલીઓએ કવાયત હાથ ધરી છે. જેમાં DEO કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 250થી વધુ વાલીઓ તેમના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) મેળવવા માટે સ્કૂલે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક વાલીઓએ તેમના બાળકો નામ રદ કરાવીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાને લઈને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો
સેવન્થ ડે સ્કૂલને DEO દ્વારા નોટિસ અને કાર્યવાહી
સેવન્થ ડે સ્કૂલને અગાઉ અમદાવાદ શહેર DEO દ્વારા બે વાર શો કોઝ નોટિસ અપાઈ હતી અને જેમાં છેલ્લે માન્યતા-એનઓસી રદ કેમ ન કરવી તેની શો કોઝ નોટિસ સામે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ DEOને રૂબરૂ મળી ખુલાસો કર્યો હતો. જોકે DEO દ્વારા માન્ય રખાયો ન હતો અને સ્કૂલ મેનેજમેન્ટને આચાર્ય-બેજવાબદાર સ્ટાફને છુટા કરવા આદેશ કરાયો હતો. ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હોવાથી અને એબીવીપી, એનએસયુઆઈથી માંડી વિવિધ સંગઠનો તેમજ સ્થાનિકો, વાલીઓમાં ભારે આક્રોશ અને વિરોધ છે તેમજ વેપારી મહામંડળ પણ એક દિવસનો બંધ પાળી આ મુદ્દે વિરોધ રજૂ કર્યો છે.