Get The App

વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો 1 - image


Umargam, Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક 18 વર્ષીય પાડોશી યુવાને 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી સાત મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હતી. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ઉમરગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય દીકરીની તબિયત અચાનક બગડતા માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે, સગીરા ગર્ભવતી છે. આ સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવતા સગીરાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. તેણે કબૂલાત કરી હતી કે પાડોશમાં રહેતા રોહિત સંતોષ યાદવે તેને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો અને છેલ્લા સાત મહિનાથી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક શોષણ કરતો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી રોહિત યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની દુષ્કર્મ સંબંધિત કલમો અને POCSO (પૉક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

આ પણ વાંચો: અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દુષ્કર્મના બનાવને પગલે હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને સગીરાની તબીબી તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.