Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના 16 બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ તુરંત જ યુ-ટર્ન લેવો પડ્યો છે, જેના કારણે સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચેના તાલમેલનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. AMCની આ ઉતાવળ અને ગેરસમજના કારણે અમદાવાદની જનતા પરેશાન થઈ રહી છે.
ઉતાવળમાં બોર્ડ લગાવી દીધા, પછી નિર્ણય મોકૂફ રાખ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેઉપાડે શહેરના 16 મહત્ત્વના બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ, કેટલાક બ્રિજ પર બોર્ડ લગાવી પણ દેવાયા. પરંતુ આ બોર્ડ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા કે તે સહેલાઈથી કોઈના ધ્યાન પર આવે નહીં.
આ બોર્ડ લાગ્યા બાદ ભારે વિવાદ થતાં AMCને આ નિર્ણય પરથી પલટી મારવી પડી હતી અને સત્તાવાર રીતે એવું કહેવું પડ્યું હતું કે, "અત્યારે આ નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં." આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે, કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વિભાગો વચ્ચે પૂરતું સંકલન કરવામાં આવ્યું નહોતું.

AMCમાં સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ
બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ મુદ્દે જ્યારે AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો, અને કહ્યું હતું કે, "બ્રિજ પર બોર્ડ લગાવવા અંગે કમિટીને કોઈ જાણ જ નથી, કદાચ કમિશનરે લગાવ્યા હશે." સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એકબીજાને 'ખો' આપવાની આ વૃત્તિથી સ્પષ્ટ થાય છે કે, વિભાગના ચેરમેન અને અધિકારીઓ વચ્ચે સદંતર તાલમેલનો અભાવ છે, અને એમાં પ્રજાનો 'ખો' નીકળી રહ્યો છે.
હાઈટ બેરિયર્સ મૂકવાનો નિર્ણય પણ મોકૂફ
શહેરના 16 બ્રિજ પર પ્રતિબંધ મુકવાની સાથે ત્યાં હાઈટ બેરિયર્સ મૂકવાની પણ મોટે ઉપાડે જાહેરાત કરાઈ હતી. જેનું પણ ફારસ થયું છે. અને હાલ ટેન્ડર મંગાવ્યા હોવાથી નિર્ણય મોકૂફ રાખી હોવાનું AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું. જો નિર્ણ મોકૂફ રખાયો હોય તો પછી ગાંધી બ્રિજ પાસે હાઈટ બેરિયર્સનો સામાન કેવી રીતે પહોંચી ગયો તે પણ એક મોટો સવાલ છે.

હાઈટ બેરિયરનો સામાન કે વીજળીના થાંભલા?
સંકલનના અભાવનો બીજો મોટો કિસ્સો ગાંધી બ્રિજ પાસે જોવા મળ્યો છે. બ્રિજની બાજુમાં ભારેખમ લોખંડનો સામાન (જે સ્પષ્ટપણે હાઇટ બેરિયર માટેનો હોય તેવું જણાય છે) મૂકવામાં આવ્યો છે. આ અંગે જ્યારે R&B કમિટીના ચેરમેન જયેશ પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો: "બ્રિજ પાસે પડેલો આ લોખંડનો સામાન બેરિયર માટેનો નહીં પણ લાઇટિંગના સ્ટ્રક્ચર માટેનો છે."

ટ્રાફિક જામની સમસ્યા વકરી, ભારે વાહનો દંડના ડરથી પરત ફરે છે
AMCની આ અવ્યવસ્થાના કારણે સામાન્ય લોકો અને અનેક ભારે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજ પર લાગેલા બોર્ડ વાંચીને ડરના માર્યા અનેક ભારે વાહનો બ્રિજના પ્રવેશદ્વાર પાસેથી જ પાછા ફરવા મજબૂર બન્યા છે. વાહનચાલકોને ડર છે કે જો તેઓ બોર્ડની અવગણના કરીને બ્રિજ પર જશે તો બ્રિજ પર કે સામેની તરફ ઊભેલી પોલીસ તેમને મોટો દંડ ફટકારશે.

ભારે વાહનો પાછા ફરતા હોવાને કારણે આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અચાનક વધી ગયું છે, જેને લીધે અન્ય વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.
AMCના ઉતાવળિયા નિર્ણયો અને સત્તાધીશો તેમજ અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે શહેરમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન નક્કર નિર્ણય લેતા પહેલાં પૂરતી તૈયારી કરે, જેથી વારંવાર યુ-ટર્ન લેવાની અને પ્રજાને હેરાન કરવાની સ્થિતિ ન સર્જાય.
આ પણ વાંચો: અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન?


