નવી જંત્રી પહેલા સુરતમાં 15 હજાર કરોડના સોદા થયાઃ રૃા.833 કરોડ સ્ટેમ્પ ડયૂટી મળી

- 88480 દસ્તાવેજ નોંધાયા : માર્ચથી તા.14 એપ્રિલ સુધી 45 દિવસમાં 50048 દસ્તાવેજ નોંધાયા તેમાં રૃા.517 કરોડની આવક મળી
સુરત
નવી જંત્રીમાં ડબલ રકમ ભરવી પડે તે પહેલા ફલેટો, દુકાનો, મકાનો, જમીનો સહિતની મિલ્કતો મળીને જુની જંત્રી મુજબ સુરત શહેર-જિલ્લામાં સાડા ત્રણ મહિનામાં અંદાજે રૃા.૧૫ હજાર કરોડના સોદા થયા છે. જેથી દસ્તાવેજ નોંધાવવા સબરજિસ્ટ્રાર કચેરીમાં ધસારો થયો હતો. કુલ ૮૮,૪૮૦ દસ્તાવેજ નોધાયા છે અને તેના થતી સરકારે સ્ટેમ્પડયૂટી પેટે રૃા.૮૩૩.૨૮ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઇ છે.
છેલ્લા દસ વર્ષથી રાજય સરકારે જંત્રીના દર વધાર્યા જ નહીં હોવાથી ફેબુ્રઆરી-૨૦૨૩ માં અચાનક જંત્રી ડબલ કરી દેવાના નિર્ણય લીધો હતો.આ નિર્ણયનો ચોમરેથી વિરોધ થતા મોકૂફ રાખીને ૧૫ મી એપ્રિલથી નવી જંત્રીના દર લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારે આ નિર્ણય આખરી લીધો હોવાથી હવે જંત્રીના દર મોકૂફ રાખશે નહીં અને ૧૫ મી એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવી જ જશે એ બીકે જેમણે પણ મકાન, રો-હાઉસ, જમીન, ફલેટ, દુકાનો કે કોઇ પણ સ્થાવર કે જંગમ મિલ્કત ખરીદી હોય તેના સોદાઓ પૂર્ણ કરીને જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધણી કરવાની કવાયત આદરી દીધી હતી. આ કવાયતના કારણે ફેબુ્રઆરીમાં ૧૯૭૦૭ દસ્તાવેજ નોંધાયા હતા. અને ત્યારબાદ માર્ચ મહિનામાં સીધા ૩૦૪૬૫ દસ્તાવેજ નોંધણી થઇ હતી. જયારે ૧૪ મી એપ્રિલ સુધીમાં ૧૯૫૮૩ દસ્તાવેજ નોંધાયા હતા. તમામ સબ રજિસ્ટાર કચેરીઓ રાઉન્ડ ધી કલોક ચાલુ રાખીને દસ્તાવેજ નોંધાયા હતા.
જાન્યુઆરી-૨૦૨૩ થી લઇને ૧૪ મી એપ્રિલ સુધી જુની જંત્રી મુજબ સાડા ત્રણ મહિનામાં કુલ ૮૮૪૮૦ દસ્તાવેજ નોંધાયા હતા. જેના પર સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી મળીને કુલ્લે ૮૩૩.૨૮ કરોડની આવક થઇ હતી. આ આવકમાં ૬૨ ટકા આવક તો પાછી માર્ચ અને એેપ્રિલના ૧૪ દિવસ મળીને કુલ ૪૫ દિવસમાં થઇ છે. ૪૫ દિવસમાં ૫૦૦૪૮ દસ્તાવેજ નોધણી થવાની સાથે જ ૫૧૭.૧૭ કરોડની આવક થઇ છે. આ આવકના આંકડાની ગણતરી કરીએ તો રાજય સરકાર એક દસ્તાવેજ નોંધણી માટે જેટલી રકમની જંત્રી નક્કી કરી હોઇ તે જંત્રીની કુલ રકમ પર ૪.૯ ટકા સ્ટેમ્પ ડયુટી અને એક ટકો નોંધણી ફીની લેતા હોય છે. આમ કુલ ૫.૯ ટકા લેખે સબરજિસ્ટ્રાર કચેરીમાં ૮૩૩. ૨૮ કરોડની આવક થઇ છે. તેની સામે અંદાજે ૧૫ હજાર કરોડના સોદાઓ થયા હોવાનુ રીઅલ એસ્ટેટના નિષ્ણાંતો માની રહ્યા છે. અને રીઅલ એસ્ટેટને હાલ એક જોમ મળ્યુ છે.
અશાંતધારા હેઠળના કોટ વિસ્તાર અને અન્યમાં ૧૪ દિવસમાં ૫૫ કરોડની સ્ટેમ્પ ડયુટી ભરાઇ
સુરત
શહેરના કોટ વિસ્તારમાં અંશાતધારો લાગુ કરાયો છે. આ કોટ વિસ્તારની સાથે જ ચોકબજાર, અઠવા, ચોટાબજાર સહિતના તમામ વિસ્તાર અંશાતધારામાં આવે છે. અને આ તમામ વિસ્તારો સબ
રજિસ્ટ્રાર કચેરી સુરત સીટી-૧ માં આવે છે. અને એપ્રિલના ૧૪ દિવસ સુધીમાં આ કચેરીમાં
૨૦૬૩ દસ્તાવેજ નોંધણી થવાની સાથે જ સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફી મળીને કુલ્લે
રૃા.૫૫.૯૯ કરોડની આવક થઇ છે.
મહિનો દસ્તાવેજની સંખ્યા સ્ટેમ્પડયુટી-
નોંધણી
જાન્યુઆરી-૨૩ ૧૮,૭૨૫ ૧૪૬,૪૪,૭૪,૬૦૩
ફેબુ્રઆરી-૨૩ ૧૯,૭૦૭ ૧૬૯,૬૬,૦૬,૩૧૭
માર્ચ-૨૩ ૩૦,૪૬૫ ૨૯૬,૮૦,૬૯,૭૯૨
એપ્રિલ-૧૪ ૧૯,૫૮૩ ૨૨૦,૩૬,૬૩,૧૮૯
કુલ ૮૮,૪૮૦ ૮૩૩,૨૮,૧૩,૯૦૧

