નકલી એજન્ટોથી સાવધાન! 3 વર્ષમાં 140 છેતરપિંડીના કેસ, લેટેસ્ટ કિસ્સો વડોદરાનો ચર્ચામાં
AI Images |
Fake Agents In Vadodara: બે દિવસ પહેલાં જ વડોદરામાં એક સ્થાનિક એજન્ટે રાજકોટના સીધાસાદા અને ટેકનોલોજી ના જાણતા હોય એવા 70 લોકોના ગ્રુપના પ્રતિ વ્યક્તિ 93,000 રૂપિયા લઈને અંદાજિત એક કરોડની છેતરપિંડી કરી છે. લોકોને ત્યારે આ છેતરપિંડીની જાણ થઈ, જ્યારે તેમની ટિકિટો નકલી હતી અને તેના પીએનઆર નંબર સાવ ખોટા હતા. હાલ વિઝા બાબતે પણ તપાસ ચાલી રહી છે. દુબઈની ટૂરમાં જવા માટે તૈયાર બધાં જ ગ્રુપના મિત્રો સતત ટૂર ઓપરેટરને ફોન રણકાવ્યા કરે છે પરંતુ કોઈ જવાબ આપતું નથી.
વિદેશ ફરવા જતાં ગુજરાતીઓને કેશના કાળા નાણાં દ્વારા સફેદ બર્ફીલા પ્રવાસનો કારોબાર
છેલ્લા 5 વર્ષમાં વધેલા વિદેશ પ્રવાસના ટ્રેન્ડની સાથે લેભાગૂ ટૂર ઓપરેટરો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના કેસ પણ વધ્યા છે. વર્ષ 2020થી લઈને 2023 સુધીમાં જો ગણવા જઈએ તો અંદાજિત 140 જેટલાં વિઝા કે ટિકિટોના નામે સ્પષ્ટ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત નક્કી કરેલા ભાવો અને કમિટમેન્ટ અનુસાર સુવિધાઓ ના આપી હોય તેવી હજારો ફરિયાદો સીધા સાદા ગુજરાતીઓ કડવી ફાકીની જેમ ગળી ગયા છે.
દર વર્ષે ગુજરાત પોલીસના ચોપડે અંદાજિત 46 કેસો નોંધાય છે, જેમાં ટુર ઓપરેટર સંબંધિત વિઝા કે ટિકિટના નાણાં લઈને ઉચાપાત કરવામાં આવી હોય. 2020-21માં કોવિડ પછીનો ગાળો શરૂ થયો હતો. તે સમય પ્રમાણમાં ઓછા પ્રવાસીઓ જતાં હોવાથી આ આંકડો 29 કેસો સુધી મર્યાદિત હતો. પરંતુ 2022-2023માં એટલી હદે પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો કે, સીધા 62 કેસો વિદેશ પ્રવાસને લગતાં નોંધાયા હતા.
આ દેશમાં જનારા લોકોએ ચેતવાની જરૂર
અમદાવાદ કરતાં નાના એવા વડોદરામાં જ વાર્ષિક અંદાજિત 31 જેટલાં વિદેશ પ્રવાસને લગતાં કેસ નોંધાયા છે. આ અંગે ગુજરાતમાં એક રજીસ્ટર્ડ વિઝા કન્સ્લટન્ટે જણાવ્યું કે, 'સૌથી વધુ દુબઈ, થાઈલેન્ડ અને વિયેતનામ જનારા લોકોએ ચેતવાની જરૂર છે. આમ તો દરેક દેશોમાં લઈ જવાની લાલચથી સ્થાનિક લેવલે ફ્રોડ થાય છે. પરંતુ આ ત્રણ દેશોમાં સૌથી વધુ ફ્રોડસ્ટરોની ચેઈન છે. મોટા ભાગના પ્રવાસીઓ જીએસટી અનેટીસીએસથી તાત્કાલિક સ્તરે બચવા માટે કેશમાં વ્યવહાર કરે છે. ઓછા પૈસા થાય એ માટે પ્રવાસીઓ એક એક વર્ષ અગાઉ પણ કેશ ભરીને સેટલમેન્ટ કરે છે. હાલની ટેકનોલોજી પ્રમાણે પાસપોર્ટ સાથે બધું જ ઈન્ટરલીંક છે. છતાં પણ ગ્રાહકને આ તમામ માહિતીથી અજાણ રાખવામાં આવે છે. હાલમાં જ વડોદરામાં એક જાહેરાત એવી છે કે આ વર્ષે 50,000 રૂપિયા રોકડાં ભરો અને આવતાં વર્ષે ચેક લઈ જાઓ. તો જાગૃત લોકોએ સમજવું જોઈએ કે આવું કેવી રીતે પોસાય. સમગ્ર ટ્રાન્સેક્શન કેશ દ્વારા હોવાથી આખી વાત દબાઈ જાય છે.'