મામાએ ઠપકો આપતા સુરતનો કિશોર ઘરેથી ભાગ્યો, ભિક્ષુક બનીને દાદી પાસે બિહાર જવા પૈસા ભેગા કરતો હતો, અને...
મામા ઠપકો આપતા હોવાથી કિશોર ઘરેથી ભાગીને ભિક્ષુક બની જીવન ગુજારી દાદી પાસે બિહાર જવા ટિકિટ માટેના પૈસાની સગવડ કરતો હતો
ગુમસુમ બેસેલા કિશોર અંગે મહિલા અને બાળમિત્રના કોઓર્ડિનેટરને જાણ થતા તેમણે મિસિંગ સેલના પીઆઈનો સંપર્ક કર્યો અને કિશોરનું પરિવાર સાથે મિલન થયું
- મામા ઠપકો આપતા હોવાથી કિશોર ઘરેથી ભાગીને ભિક્ષુક બની જીવન ગુજારી દાદી પાસે બિહાર જવા ટિકિટ માટેના પૈસાની સગવડ કરતો હતો
- ગુમસુમ બેસેલા કિશોર અંગે મહિલા અને બાળમિત્રના કોઓર્ડિનેટરને જાણ થતા તેમણે મિસિંગ સેલના પીઆઈનો સંપર્ક કર્યો અને કિશોરનું પરિવાર સાથે મિલન થયું
સુરત, : સુરત જીલ્લાના કડોદરાના વરેલીમાંથી અઢી મહિનાથી ગુમ 12 વર્ષનો બિહારી કિશોર નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતા મહિલા અને બાળમિત્રના કોઓર્ડિનેટરે મિસિંગ સેલના પીઆઈનો સંપર્ક કર્યો હતો અને છેવટે કિશોરનું પરિવાર સાથે મિલન થયું હતું.પોલીસની પુછપરછમાં કિશોરે જણાવ્યું હતું કે મામા ઠપકો આપતા હોવાથી તે ઘરેથી ભાગીને ભિક્ષુક બની જીવન ગુજારી દાદી પાસે બિહાર જવા ટિકિટ માટેના પૈસાની સગવડ કરતો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે બાંકડા ઉપર એક બાળક ગુમસુમ બેસેલો હોય એમ્બ્યુલન્સ ચાલકે મહિલા અને બાળમિત્રના કોઓર્ડિનેટર પિયુષકુમાર શાહને જાણ કરતા તે ત્યાં પહોંચ્યા હતા.તે બાળકને લઈ ક્રાઈમ બ્રાન્ચના મિસિંગ સેલ ખાતે જતા પીઆઈ પી.જે સોલંકીએ ભુખ્યા બાળકને નાસ્તો કરાવી સ્વસ્થ કરી નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ કુલદીપ ધર્મવીર કુર્મી જણાવી પોતે બિહારના નાલંદાના ઈટૌરા ગામનો વતની છે તેમ કહ્યું હતું.આથી પીઆઈ સોલંકીએ ઈટૌરા ગામ જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે માનપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરી બાળક અંગે કોઈ ફરિયાદ દાખલ થઈ હોવાની હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો.પણ ત્યાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.આથી તેમણે સ્થાનિક પોલીસને ઈટૌરા ગામમાં તપાસ કરી તેના પરિવારને શોધવા કહેતા સ્થાનિક પોલીસે બાળકના વિધવા દાદીનું સરનામું શોધી કાઢ્યું હતું.
સ્થાનિક પોલીસે દાદીને પૂછતાં જાણવા મળ્યું હતું કે 12 વર્ષીય કુલદીપ અને તેનો પરિવાર સુરતના કડોદરા વરેલી ખાતે રહે છે.આ માહિતીના આધારે પીઆઈ સોલંકીએ કડોદરા પોલીસના સંપર્ક કર્યો હતો.જોકે, ત્યાં પણ આ બાળક ગુમ થયાની ફરિયાદ દાખલ થઈ ન હોય પીઆઇ સોલંકી, કુલદીપના પરિવાર અને તેના ઘરને શોધવા માટે કોઓર્ડિનેટર પિયુશકુમાર શાહ અને બાળકને લઈને વરેલીગયા હતા.લગભગ દોઢ કલાકની તપાસ બાદ રાત્રે 11 વાગ્યે બાળકનું ઘર મળ્યું હતું.ઘર નજીક રહેતા મામાના ઠપકાને લીધે ગત 31 ડિસેમ્બરના રોજ ઘરેથી ભાગી ગયેલા પુત્રને તેના પિતાએ તેની દયનીય હાલતને લીધે પહેલા તો ઓળખ્યો જ નહોતો.જોકે, બાદમાં તેને ઓળખતા ભેટી પડયા હતા.કુલદીપ ઘરેથી ભાગીને ભિક્ષુક બની જીવન ગુજારી દાદી પાસે બિહાર જવા ટિકિટ માટેના પૈસાની સગવડ કરતો હતો.