Get The App

દસ વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો, 92 કર્મચારીઓએ નોકરીઓ ગુમાવી

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
દસ વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો, 92 કર્મચારીઓએ નોકરીઓ ગુમાવી 1 - image


Fake Caste Certificate : ખોટા જાતિના સર્ટિફિકેટ બતાવીને અનામત સીટ પર પોલીસ અધિકારીની નોકરી મેળવનારા સુરતના એસીપી બી.એમ.ચૌધરીને તાત્કાલિક આદેશથી નોકરી પરથી ફરજમુક્ત કરવાં આવ્યા. ચૌધરીએ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ મેળવીને 1993ની સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં નોકરી મેળવી હતી અને તેઓ જૂન 30મીના રોજ નિવૃત્ત થવાના હતા. તેમની સમગ્ર તપાસ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલી રહી હતી. ગત વર્ષ બરડા અને ગીરમાં વસતાં માલધારીઓના સરનામા બતાવીને પણ બે કર્મચારીઓએ પોતાને ખોટી રીતે અનુસૂચિત જનજાતિમાં આવતા હોવાની બાબતે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાંના ભાગરુપે પગાર સાથે વસુલી અને ફરજ મોકૂફી કરવામાં આવી હતી. 

દસ વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો

મળતી માહિતી અનુસાર, ગુજરાત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 156 જેટલા ખોટા જાતિના સર્ટિફિકેટના કેસ સામે આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં નિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ 1084 જેટલી જાતિના ખોટા સર્ટિફિકેટની અરજીઓ સમાજ કલ્યાણ નિયામકની કચેરીમાં આવી હતી. જેમાંથી નિમણૂંક સમયે મળેલા સરકારી કર્મચારીઓના સર્ટિફિકેટની ખરાઈ કરીને તેમના આધારભૂત પુરાવા જોતાં 92 જેટલા કર્મચારીઓના ખોટા પુરાવાના બિડાણના આધારે સમાજ કલ્યાણ વિભાગે ડિસમીસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ખોટી રીતે નોકરી મેળવવા માટે અત્યાર સુધી સરકારી વિભાગમાંથી મેળવેલા પગારની પણ રકમ ભરપાઈ કરાવવામાં આવી છે. 

ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટું જન્મસ્થળ સહિતની વિગત નાખતા

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ અધિકારી કે કર્મચારીની વર્ગ એક, બે કે ત્રણમાં નિમણૂંક થાય છે ત્યારે જાતિના સર્ટિફિકેટ મેળવતી વખતે કર્મચારી પોતે બાંહેધરી આપે છે કે આ માહિતીમાંથી કોઈ માહિતી ખોટી હશે તો તે પોતે જવાબદાર રહેશે. આ કારણથી ખોટા જાતિના પ્રમાણપત્રોમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય છે તેઓ ક્યાંય ફસાતા નથી. 

છેલ્લા દસ વર્ષમાં ઓનલાઈન સિસ્ટમ વધુ સક્રિય થતાં જાતિના પ્રમાણપત્ર અને ઓબીસીમાં આવકના પ્રમાણપત્રો સામે રોજબરોજ ફરિયાદો વધી છે. જેમાં ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટું જન્મસ્થળ દર્શાવવું, અનામત મેળવવા માટે ભળતી અટક ઉમેરીને ખોટા પંચાનામા કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવવું અને ક્રિમીલેયરમાં વધુ આવક હોય તો સ્થાનિક સ્તરે ખોટું પંચનામું કરાવીને ક્રિમીલેયરનો લાભ મેળવવો. 

આ પણ વાંચો: દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત: ખાનગી હોસ્પિટલની નર્સ દ્વારા સંચાલિત 'રેકેટ'નું ભાંડાફોડ

આ અંગે સરકારના સમાજ કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ આ ખોટી રીતે જાતિના પ્રમાણપત્ર અને અન્ય પછાત વર્ગમાં ખોટી આવક બતાવવામાં જીપીએસસી, પોલીસ વિભાગ, મેડિકલ વિભાગ, શિક્ષણ વિભાગમાં અનેક અધિકારીઓ પકડાયા છે અને નોકરી ગુમાવી પડી છે. છતાં આવું થાય જ નહીં એ પ્રકારની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી. મોટા ભાગના કેસ કોઈની ફરિયાદ દ્વારા જ બહાર આવે છે. જેના કારણે આજે પણ એવા અનેક અધિકારીઓ છે જે ખોટી રીતે જાતિના પ્રમાણપત્ર કે ખોટી આવકના પુરાવા સાથે નોકરી કરતાં હોય પરંતુ પગલા ના લેવામાં ન આવ્યા હોય. આ પ્રકારના ભ્રષ્ટાચારમાં જે યુવાનો સાચી રીતે તૈયારી કરી રહ્યા છે તેમને ભોગવવાનો વારો આવે છે. 

Tags :