સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ
AI Images |
Diamond Workers Laid Off In Surat: વૈશ્વિક મંદી વચ્ચે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના અમલીકરણના પહેલા દિવસે જ કતારગામની ક્રિશ ડિયામ નામની ડાયમંડ ફેક્ટરીમાંથી 100 કારીગરોને કામ ન હોવાનું જણાવી છૂટા કરી દેવામાં આવતા કારીગરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીમાં અંદાજે 300થી વધુ રત્નકલાકાર સહિતનો સ્ટાફ છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી કંપની પાસે કોઈ જોબવર્ક કામ ન હતું. જેથી કામ ન હોવાનું કહી કારીગરોને છૂટા કરવામાં આવ્યા હતા.
સામી દિવાળીએ સંચાલકોના નિર્ણયથી રત્નકલાકારોમાં રોષ
ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીમાંથી પસાર થઇ રહ્યો છે અને બીજી તરફ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો પણ અમલ શરૂ થયો છે. ત્યાં વળી ડાયમંડ ફેક્ટરીમાંથી વીતેલા ત્રણ દિવસના સમયગાળામાં 100 જેટલા કારીગરોને સામી દિવાળીએ છૂટા કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારીગરો મેનેજર દિલીપ માંગુકીયા પાસે દોડી ગયા હતા. જો કે શેઠ મુંબઇ ગયા છે અને કામ ન હોવાથી છૂટા કરવામાં આવ્યા હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ
આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદાર ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, 'કારીગરોને વળતર ચુકવવું જોઈએ. ઉપરાંત ગ્રેજ્યુઇટી કે હક્ક રજા પગાર પણ ચુકવવામાં આવ્યો ન હોવાથી છૂટા કરવામાં આવેલા કારીગરો આર્થિક બોજ હેઠળ આવી જશે અને પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ કપરૂ થઈ જશે.'