2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ!
Dahod News : ગુજરાતમાં 2700 જેટલા શિક્ષકોની ઘટ ધરાવતાં દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્ત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં દરેક ગામડે આધુનિક લાયબ્રેરી બનાવવા માટે જમીન માહિતી માંગવામાં આવી છે.
100 લાઇબ્રેરી બનાવાશે
આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લાયબ્રેરી સ્થાપિત કરવા માટે 200 ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મોકલવા કહ્યું છે. જેના પ્રાથમિક આયોજનમાં 100 જેટલા ગામડાઓમાં લાયબ્રેરી બનાવવામાં આવશે. આ માહિતીમાં વિગતવાર જોઈએ તો જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં, સરકારી પડતર અથવા ગામતળની 2000 ચોરસ ફૂટ જમીન લાઈબ્રેરી માટે અલગ જગ્યાની માહિતી માંગવામાં આવી છે. જેમાં દરેક પંચાયતે જમીનનું ક્ષેત્રફળ, સર્વે/પ્રોપર્ટી નંબર, જમીનનો પ્રકાર (સરકારી પડતર કે ગામતળ) અને જરૂરી ટિપ્પણી સહિતની વિગત જણાયેલા ફોર્મેટમાં મોકલવાની રહેશે એવી સૂચના આપવામાં આવી છે.
આ મુદ્દે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સંતોષ લોઢાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ટ્રાઇબલ સપ્લાન્ટ હેઠળ દાહોદ જિલ્લામાં 2024-25 અને વર્ષ 2025-26 માટે કુલ 50 + 50 એમ કરીને કુલ 100 જેટલી લાઇબ્રેરી બનાવવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ લાઇબ્રેરીઓ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 25 કરોડ રૂપિયા જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દરેક ગામડાઓ કે જ્યાં પ્રાથમિક શાળાઓ છે તે ગામડાની અંદર પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ આ લાઇબ્રેરીઓ બને જેથી સલામતી અને વીજળી સંબંધી કોઈ સમસ્યા ઊભી ના થાય એ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં જ્યાં મોટા ગામ છે, મોટી શાળાઓ છે ત્યાં પ્રાથમિક તબક્કે આ 100 જેટલી લાઇબ્રેરી બનાવવામાં આવશે. જેમાં પુસ્તકો અને ફર્નિચર સાથે લાઇબ્રેરી હશે, જેથી ગામડામાં જીપીએસસી-યુપીએસસી જેવી તૈયારી કરનાર વિદ્યાર્થીઓ પણ ત્યાં વાંચન કરી શકે. દરેક લાઇબ્રેરીમાં 100 જેટલા લોકો વાંચી શકે એટલી કેપેસિટી હશે. આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ લાઇબ્રેરીમાં જગ્યા વધારવાની જરૂર પડે તે ધ્યાન રાખી અને લાઈબ્રેરીનું મકાન એ રીતે બનાવીએ છીએ કે માત્ર 11 લાખના ખર્ચે ઉપર પણ નવો ફ્લોર લઈ શકાય અને લાઇબ્રેરીને સંખ્યા વધારી શકાય. એકાદ અઠવાડિયામાં પ્રક્રિયા શરૂ થઈ જશે અને ત્યારબાદ આ 100 બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવશે.