મોબાઈલયુગમાં પણ 10 વર્ષના બાળકનો પુસ્તક પ્રેમ : સંસ્કૃત સહિત પાંચ ભાષાનો જાણકાર વડોદરાનો 'અગસ્ત્ય પટેલ'
Vadodara : આજના જમાનામાં બાળકોમાં મોબાઈલમાં ગેમ્સ રમવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા દસ વર્ષના બાળકે પોતાનો પુસ્તક પ્રેમ વ્યક્ત કર્યો છે અને ક્રિસમસ પર 52 પાનાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. એ સાથે સંસ્કૃત સહિત પાંચ ભાષાનો જાણકાર પણ બન્યો છે.
વડોદરાના હરણીમાં રહેતા પટેલ પરિવારના અગસ્ત્ય ગણેશભાઈ પટેલએ 10 ઉંમરે મોબાઈલમાં વ્યસ્ત રહેવાને બદલે ત્રણ વર્ષની ઉંમરે પુસ્તકોના વાંચનમાં વધુ રસ કેળવ્યો હતો. તેણે ક્રિસમસની ઉજવણી સમયના તેના અનુભવોને લોકો સુધી પહોંચાડવાના આશય સાથે 54 પાનાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. અગસ્ત્ય પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં અમદાવાદ અને વર્ષ 2023માં મુંબઈ ખાતે ક્રિસમસની ઉજવણી કરી હતી. જે ઉજવણીને ક્રિસમસ ટાઈમ નામના શિર્ષક હેઠળ એક મહિનાની અંદર પુસ્તક લખીને તેની ડિઝાઈન કરીને પ્રકાશિત કરી છે. જેમાં ક્રિસમસના સમયે કુકિઝ અને કેક સાથે સોફ્ટ ડ્રિંકનું વેચાણ કેટલું વધે છે અને આ દરેક ખાદ્યપ્રદાર્થનું વેચાણ કરવાથી આવકનું સાધન ઉભુ થાય છે તે પણ પુસ્તકમાં દર્શાવ્યું છે. હાલમાં તે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં લખી, વાંચી અને સમજી શકે છે. અને હવે તે સંસ્કૃતમાં પણ પુસ્તક લખવાની તૈયારી કરે છે.
અગસ્ત્ય પટેલને પુસ્તક પ્રેમની સાથે-સાથે કેસિયો અને કુકિંગ શીખવાની પણ હોબી ધરાવે છે અને તેમાં નિપૂણતા હાંસલ કરવાનો ધ્યેય છે. માતા રચનાબેન પટેલે તેમના દીકરા વિશે જણાવ્યું કે, અગસ્ત્ય ૩વર્ષનો હતો ત્યારથી ગુજરાતી વાંચી અને સમજી શકતો હતો. ત્યારે જ અમને ખ્યાલ આવી ગયો હતો કે તેનો આઇક્યૂ લેવલ બીજા બાળકો કરતા અલગ છે. અગસ્ત્ય સાત વર્ષમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ એમ પાંચ ભાષાની 500થી પણ વધારે પુસ્તકોનું વાંચન કર્યું છે. આ સાથે તેણે હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા જેવી 43 જેટલી ધાર્મિક ચાલીસાનું પણ પઠન કર્યું છે.