વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો

Crocodile Rescue In Vadodara: વડોદરાના મુજમહુડા વિસ્તારમાં શનિવારે (15મી નવેમ્બર) રાત્રે એક મહાકાય મગર ઝાડીઓમાં ફસાઈ જવાની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
રહેણાંક વિસ્તાર નજીક ફસાયો મગર
મળતી માહિતી અનુસાર, મુજમહુડાના વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક રહેણાંક વિસ્તારમાં એક મહાકાય મગર ઝાડીમાં ફસાઈ ગયો હોવાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન તેણે જોયું કે મગર અંદાજે 10.5 ફૂટ લાંબો અને 105 કિલો વજન ધરાવતો હતો. મગર એવી જગ્યાએ ઝાડીઓમાં ફસાયો હતો જ્યાંથી તેને બહાર કાઢવું અત્યંત મુશ્કેલ હતું અને તે હલચલ પણ કરી શકતો ન હતો.
ભારે જહેમત બાદ મગરનું સલામત રેસ્ક્યુ
વડોદરા એનિમલ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક રહીશોની મદદથી ભારે જહેમત ઉઠાવી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મગર તથા કોઈ વ્યક્તિને ઈજા ન થાય તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી હતી. અંતે વોલિએન્ટર્સે સ્થાનિકો સાથે મળીને મગરને દોરડા વડે બાંધીને ખેંચીને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ મગરને વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો છે, જે તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડી મૂકશે.

