Lion Cub Car Accident: સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અકસ્માતમાં સિંહોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગત બુધવારે(13) રાત્રે રાજુલા-જાફરાબાદ પંથકમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક સિંહબાળનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાજુલાના દાંતરડી ગામે કારની હડફેટે સિંહબાળનું મોત થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થલે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત
મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે રોડ ક્રોસિંગ કરતું 1 વર્ષનું સિંહબાળ અજાણ્યા વાહન હડફેટે ચડ્યું હતું. સિંહબાળના મોતને પગલે તાત્કાલિક વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃત સિંહબાળને પી.એમ.અર્થે બાબરકોટ એનિમલ કેર રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.
સિંહબાળ મોતની ઘટના બાદ વનવિભાગ દ્વારા 4 ટીમો બનાવીને નેશનલ હાઈવેના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. જેમાં ગણતરીની કલાકોમાં બ્લેક કલરની સ્વિફ્ટ કારની અડફેટ વાગી હોવાનું જણાયું હતું. કાર ચાલક ઇન્દ્રસિંગ છત્રસિંગ રાવત રાજસ્થાનનો રહેવાસી છે. આ પછી વન વિભાગની ટીમ કારચાલકને નોટીસ પાઠવીને રાજુલા વન વિભાગ ખાતે બોલાવવામાં આવ્યો હતો.
કારચાલકની અટકાયત
સમગ્ર મામલે વનવિભાગના ACFએ જણાવ્યું હતું કે, કાર જપ્ત કરીને ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 મહિના અગાઉ પણ 2 સિંહો અકસ્માતે વાહન હડફેટે મોતને ભેટ્યા હતા. જ્યારે હવે 1 વર્ષના સિંહબાળનું અકસ્માતમાં મોત નીપજ્યું છે, ત્યારે સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.


