મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા
Mahisagar News: મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે, ત્યારે 24 કલાકથી વધુ સમય બાદ પાંચ શ્રમિકોમાંથી એક શ્રમિકનો મૃતદેહ આજે (5 સપ્ટેમ્બર) મળી આવ્યો છે.
5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા
અજંતા હાઈડ્રો પાવરમાં પાંચ શ્રમિકો ફસાયા છે, ત્યારે ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શ્રમિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાના 28 કલાક બાદ એક કર્મીનો મૃતદેહ મળ્યો છે. ગોધરાના રણછોડપુરાના નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકી નામના વ્યક્તિનો મળ્યો મૃતદેહ છે.
શું હતી સમગ્ર ઘટના?
મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. NDRFની ટીમ દ્વારા યુવકોની શોધખોળ ચાલી રહી છે, જ્યારે હાઇડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવા માટે પણ તંત્ર કામે લાગ્યું છે. જોકે, હજુ સુધી આ 4 યુવકોની ભાળ મળી નથી, જેના કારણે પરિવારજનોમાં ચિંતા અને નિરાશાનો માહોલ છે. ઉચ્ચ અધિકારીઓ સતત ખડેપગે રહીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ઘટનાના સ્થળે હાજર કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, 'ઘટનાના 28 કલાક બાદ નરેશભાઈ નામના એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને લઈને ગોધરા, વડોદરા અને લુણાવાડની NDRF સહિતની ટીમ અન્ય શ્રમિકોની શોધખોળ કરી રહી છે.'
ગુમ કર્મચારીઓના નામ
શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)
અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)