Goodbye 2019: શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બોંબ ધડાકા: 259ના મોત, 500 ઇજાગ્રસ્ત
આ વર્ષનો જે સૌથી મોટી આતંકી હૂમલાની ઘટના બની હોય તો તે શ્રીલંકાના કોલંબોમાં આકાર પામી હતી. 21 એપ્રિલ, ઇસ્ટર સન્ડેના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલોમાં આત્મઘાતી બોંબ હૂમલા થયા હતા જેમાં 45 વિદેશી પ્રવાસીઓ સહિત ૨૫૯ના મોત અને 500 ઇજાગ્રસ્ત થયા હતા.
આ હૂમલાની જવાબદારી શ્રીલંકામાં સક્રિય આતંકવાદી જુથ નેશનલ થોવ્હેથ જમાથે લીધી હતી. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચની મસ્જિદમાં બંડખોર ગોરાએ જે અંધાધૂંધ ગોળીબાર કરીને શ્રધ્ધાળુઓને ઠાર કર્યા હતા તેનો આ બદલો હતો તેમ આતંકવાદીઓએ મેસેજ વહેતા કર્યા હતા. સીધુ જોડાણ નથી તો પણ ISISના વડા હાલ મૃતક એવા બગદાદીએ તેના 18 મીનિટના વીડિયો ભાષણ દરમ્યાન આ ઓપરેશન પાર પાડનારને શાબાશી આપી હતી.
ટર્કીની સિરિયા પર સ્ટ્રાઇક: 70ના મૃત્યુ, લાખોની હિજરત
6 ઓક્ટોબરે અમેરિકાએ ઉત્તર સિરિયા પરથી તેની સેના હટાવી લેતા કુર્દ લોકોએ તેમનું રક્ષણ ગુમાવ્યું. તકનો લાભ લઈ તુર્કી એરફોર્સે સિરિયાના સરહદી ગામો પર બોંબમારો કર્યો. 70ના મૃત્યુ થયા, લાખો નાગરિકોના ઘર તબાહ થયા. તેઓએ સલામતી માટે અન્ય સ્થળોએ હિજરત કરી. ટર્કીને સિરિયાના જ કેટલાક સૈન્યનું સમર્થન હતું. ટર્કીએ હુમલાની ટીકા થતા બચાવમાં કહ્યું કે, હુમલો કુર્દના આતંકવાદીઓ પર હતો જેઓ આઇએસઆઇએસને ટેકો આપી તેમના દેશ માટે ભયજનક બન્યા હતા.
ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર 51નાં મોત
ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં કદાચ પહેલ વહેલી બનેલી આતંકવાદી હુમલાની ઘટના ક્રાઇસ્ટચર્ચમાં અલનૂર મસ્જિદમાં બની. ૨૮ વર્ષીય બ્રેન્ટોન ટેરેન્ટ કે જે ઓસ્ટ્રેલિયન નાગરિક છે તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મસ્જિદમાં ઘૂસી જઈ ૧૫ માર્ચના રોજ તેણે નમાઝ પઢી રહેલા શ્રદ્ધાળુઓ પર ગોળીઓની વર્ષા વરસાવી હતી એટલું જ નહિ તેનું લાઇવ વિડિયો સ્ટ્રીમિંગ પણ કરતા વૈશ્વિક ચકચાર મચી ગઈ હતી. ૫૧ના મૃત્યુ થયા હતા. ટેરેન્ટ ગોરો બળવાખોર છે અને તે ઇસ્લામ સહિત અન્ય ધર્મીઓ પ્રત્યે નફરત ધરાવે છે. તે જધન્ય કૃત્ય આદર્યા બાદ હાલમાં પોલીસના શરણે છે.
સાઉદીની ઓઈલ રિફાઈનરી પર ડ્રોનથી આતંકી હુમલો
૧૪ સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયાની સરકાર હસ્તકની અબકૈક અને ખુરાઈશ વિસ્તારમાં આવેલી સાઉદી અરામ્કો રીફાઈનરી પર દસથી વધુ ડ્રોન અને મિસાઈલ દ્વારા આતંકી હૂમલો થતા રીફાઈનરીને ભારે નુકશાન પહોંચ્યું છે. વિશ્વનો પાંચ ટકા ઓઈલ પુરવઠો સાઉદી અરેબિયા પહોંચાડે છે તે હાલ પૂરતું કેટલાક મહિના ઠપ્પ રહેશે.
યમનના 'હોઉથી' ગુ્રપે આ હુમલાની જવાબદારી લેતા નિવેદન જારી કર્યું છે કે અમારા આંતરિક વિગ્રહમાં સાઉદી દખલગીરી કરતું હોઈ આ બદલો લીધો છે. ડ્રોન ઈરાનની બનાવટના હોઈ સાઉદી અરેબિયા અમેરિકા, બ્રિટન વગેરે આ ષડયંત્ર માટે ઈરાનને પણ જવાબદાર ઠેરવે છે.
પેરિસ નોટ્રે ડેમ ચર્ચમાં ભીષણ આગ ઇસુનો તાજ બચાવી લેવાયો
૧૫ એપ્રિલના રોજ પેરિસના ઐતિહાસિક નોટ્રે ડેમ ચર્ચમાં બેકાબૂ બનેલી આગે તેની ધરોહરને લગભગ ભૂંજી નાખી હતી. જો કે પાદરીની સમયસૂચકતા તેમજ અગ્નિશમન કર્મચારીઓની જોખમી કુનેહને લીધે ઇસુ ખ્રિસ્તના મુળ સ્વરૂપે સચવાયેલા માથા પરના તાજ સહિતના અવશેષો બચાવી લેવાયા હતા. આગ ૧૫ કલાક પછી કાબૂમાં લેવાઈ હતી. એક અબજ ડોલરે પુન:નિર્માણ થશે.
ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ ૭૮ના મૃત્યુ
ચીનમાં એન્જિનિયરિંગ કેમિકલ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કેમિકલ પ્લાન્ટમાં ધડાકો થતા ૭૮ના મૃત્યુ થયા હતા અને ૬૧૦ ઇજા પામ્યા હતા.
ટેકસાસમાં શૂટ આઉટ 29ના મોત
અમેરિાકના ટેક્સાસમાં એલ પાસોમા આવેલ વોલમાર્ટ સુપર સ્ટોરમાં અમેરિકાની વિઝાની નીતિનો વિરોધ કરતા માથા ફરેલ યુવાને ગોળીબાર કરી ૨૦ને ઠાર કર્યા હતા. તે પછી ઓહાયોના ડેટનમાં એક આતંકવાદીએ હજુ તેની ૧૦૦થી વધુ ગોળીના મેગેઝિનમાંથી નવને ઠાર કર્યા ત્યાં જ તેને પોલીસે ઢાળી દેતા મોટી હોનારત બચી હતી. અમેરિકામાં આવી ઘટનાઓ પછી ગન કંટ્રોલની માંગ સાથે રેલીઓ નીકળે છે પણ ખાસ કોઇ ફર્ક નથી પડતો.
બ્રાઝિલની જેલમાં ગેંગવોર 57 કેદીના મોત
બ્રાઝિલના પારા સ્ટેટની જેલમાં એક બ્લોકના કેદીઓએ બીજા બ્લોકમાં ધસી જઈ મારામારી કરતા ૫૭ કેદીઓના મૃત્યુ થયા હતા. એક જૂથે બ્લોકમાં આગ લગાડતા મોટા ભાગના ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા. હુમલાખોરોએ જેલના બે ઉચ્ચ અધિકારીઓને બાનમાં લઈ બીજા બ્લોક પર જવામાં સફળતા મેળવી હતી. મે મહિનામાં રોમેઝોનાસ રાજ્યની જેલમાં પણ હિંસા થતા ૪૦ના મૃત્યુ થયા હતા.
ઇડાઇ વાવાઝોડાએ તારાજી સર્જી 1000ના મૃત્યુ
'ઇડાઇ' નામનું વાવાઝોડું ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, બોસ્ટોનાવા, નામ્બિયા, સ્વાઝીલેન્ડ જેવા સધર્ન આફ્રિકન દેશો પર ફરી વળતા 1000થી વધુના મૃત્યુ થયા હતા. બ્રાઝિલના પારા સ્ટેટની જેલમાં એક બ્લોકના કેદીઓએ બીજા બ્લોકમાં ધસી જઈ મારામારી કરતા 57 કેદીઓના મૃત્યુ થયા હતા. એક જૂથે બ્લોકમાં આગ લગાડતા મોટા ભાગના ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા. હુમલાખોરોએ જેલના બે ઉચ્ચ અધિકારીઓને બાનમાં લઈ બીજા બ્લોક પર જવામાં સફળતા મેળવી હતી. મે મહિનામાં રોમેઝોનાસ રાજ્યની જેલમાં પણ હિંસા થતા 40ના મૃત્યુ થયા હતા.