સંવેદનાહિન પ્રશાસન: દીવનાં સાઉદવાડીમાં સરકારી જમીનમાં ખેતીપાક ઉપર બુલડોઝર
- અગાઉ પ્રશાસને જમીનનો કબ્જો મેળવ્યા બાદ ફરી વાવેતર થતાં કાર્યવાહી
- પૂર્વજોનાં સમયથી ખેતી કરતા કિસાનોની એકપણ વાત નહીં સાંભળીને નિષ્ઠુર વહીવટી તંત્રએ ઉભો પાક ઉખાડી ફેંકતા રોષ
દીવ, તા. 27 જુલાઈ 2019, શનિવાર
દીવના સાઉદવાડી ખાતે વર્ષોથી નહીં પણ દાયકાઓથી સરકારી જમીન પર ખેતી કરતા ખેડૂતો પાસેની એ જમીન થોડા દિવસો પહેલા દીવ પ્રસાશન દ્વારા કબ્જે કરવામાં આવી હતી. જો કે, બાદમાં પણ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. જેથી ખેતીપાક પર પ્રસાશન દ્વારા બુલડોઝર ચલાવી નાશ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
વિગત પ્રમાણે, દીવ પ્રસાશન દ્વારા ૧૨ જુલાઈ, ૨૦૧૯ના રોજ સાઉદવાડી ખાતે સરકારી જમીન પર ખેતી કરતા ખેડૂતોની જમીન કબ્જે કરવામાં આવી હતી. જો કે, બાદમાં પણ આ કબ્જે કરેલી જમીન પર ખેડૂતો દ્વારા પાક ઉગાડવામાં આવ્યો હતો. આમ છતાં આ લીલાછમ ખેતરો પર દીવ પ્રસાશન દ્વારા બુલડોજર અને ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કરવા માં આવ્યો હતો. મહામુલા ખેતીપાકનો નાશ થતો જોઈ ખેડૂતોએ દીવ પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. સજ્જડ પોલીસ બંદોબસ્ત હોવાથી કોઈ માથાકૂટ ગઈ નહોતી.
ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, 'અમે અહીં પેઢી દર પેઢી ખેતી કરતા આવ્યા છીએ. આશરે ૪૦ વર્ષથી આ ખેતરોમાં ખૂન-પસીનો વહાવ્યો છે. રાત-દિવસ જોયા વગર ખેતરોમાં કામ કર્યું છે. વહીવટી તંત્ર જમીન ભલે તેમનાં નામ પર રાખે પણ ખેતી કરવાનો હક્ક અમને આપે તો અમે અમારું અને પરીવારનું ગુજરાન ચલાવી શકીએ.' ખેડૂત મહિલાઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, રાજકીય નેતાઓ આવા આકરા સમયે ખેડૂતોનો સાથ આપવાનું તો ઠીક પણ મોબાઈલ ફોન પણ ઉપાડતા નથી.
આ બાબતે દીવ પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, સરકારી જમીન પર કબજો લીધા પછી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે. કબજો લીધા પછી જમીન સરકારની છ, જેમાં ખેડૂતોનો કોઈ હક્ક નથી. આ જમીન પર ખેડૂતો દ્વારા ગેરકાયદે રીતે બાજરી, માંડવી, શેરડી તેમજ વિવિધ શાકભાજી અને ફળો જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી ઉપર દીવ પ્રશાસન દ્વારા બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી પાકોનો નાશ કરાયો હતો.
આ કબજો દીવ પોલીસ બંદોબસ્ત સાથે લેવામાં આવ્યો હતો અને સાથે દીવ જિલ્લા કલેક્ટર હેમંત કુમારના માર્ગદર્શનમાં મામલતદાર ચંદ્રહાંસ વાજા, ડીસીએફ અશ્વિન પરેકર, આર.એફ.ઓ. ગાયકવાડની ઉપસ્થિતિમાં ખેતીપાકનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.