વેરાવળના દરિયામાં નહાવા જતાં બે કોટુંબિક ભાઈઓના મોત
- ધુળેટીના દિવસે રંગે રમી દરિયામાં નહાવા જતાં વિશાળ મોજુ તાણી ગયું
વેરાવળ, તારીખ 22 માર્ચ 2019, શુક્રવાર
વેરાવળમાં ધુળેટીના દિવસે રંગે રમ્યા બાદ દરિયામાં નહાવા જતાં ડૂબી જવાથી બે કુટુંબીક ભાઇઓના કરૂણ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
વિગત એવી છે કે, વેરાવળના વાલ્મીકિવાસમાં રહેતા પરસોત્તમ દામજીભાઈ પરમાર (ઉ. 29) અને ઓમ પ્રવીણભાઈ સોલંકી (ઉંમર 13) બંને મામા-ફઈના ભાઈઓ થતાં હોય, ગઈકાલે ધૂળેટીના દિવસે બપોર સુધી કલરથી ખૂબ રમ્યા હતા.
બાદમાં અન્ય બાળકો સાથે બંને ભાઈઓ વાલ્મીકિવાસની પાછળ આવેલા દરિયામાં નહાવા ગયા હતા. જ્યાં હજુ બંને બાજુ દરિયાકાંઠે બેઠા હતા ત્યાં જ વિશાળ મોજુ આવ્યું હતું અને બંને ભાઈઓને પાણીમાં ખેંચી ગયું હતું.
આ દ્રશ્ય જોઈ અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ડૂબેલા બંને ભાઈઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. 6 કલાકની શોધખોળના અંતે પરસોત્તમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે બાળકોની લાશ છેક આજે સવારે મળી આવતા વેરાવળમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.