ઉના પંથકના દરિયામાં ત્રણ બોટ ડૂબી, ત્રણ માછીમારોના મોત, બે લાપત્તા
- આ વર્ષની સીઝન માછીમારો માટે જાણે જીવલેણ
- 16 માછીમારોને બચાવી લેવાયાઃ યાંત્રિક ખામી સર્જાતા બોટમાં પાણી ભરાયું: બોટ માલિકોને વ્યાપક નુકસાની
ઉના, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર
ઉના તાલુકાના સૈયદ રાજપરા દરિયામાં ૩ બોટ દરીયે ડુબી જતા ૨૧ માછીમારોમાંથી ૧૬ને બચાવી લીધા હતા જ્યારે ૩ના મૃત્યુ નિપજ્યા હતા. બે માછીમારો હજુ લાપતા છે. ત્રણેય બોટ ડુબી જતા બોટ માલિકોને લાખો રૂપિયાની નુકશાની સહન કરવી પડી છે.
ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદર પર આ વરસની સીઝન જાણે ભારે હોય તેમ સીઝન શરૂ થયા બાદ ૩થી ૪ બોટ ડુબી ગઈ છે. ગઈકાલે રાત્રીના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરથી ૩ બોટ ૧. દરીયા સાગર સુરેશભાઈ વરજાંગભાઈ શીયાળની ૭ ખલાસી સાથે, ૨. લક્ષ્મીબેન ભીખાભાઈ ડાભીની અમૃતસાગર નામની બોટ ૭ ખલાસી સાથે તથા માધુભાઈ ગભરૂભાઈ પરમાર (સૈયદ રાજપરા)ની બોટ મળી કુલ ૨૧ ખલાસીઓ સાથે માછીમારી કરવા ગયેલી સૈયદ રાજપરાથી ૨૫ નોટીકલ માઈલ દુર ઉભી રાખી માછીમારી કરતા હતા ત્યારે યાંત્રીક ખામી સર્જાતા બોટમાં પાણી ભરાવાથી ડુબવા લાગેલ.
તમામ ખલાસીઓએ ભયસુચક સિગ્નલ છોડી વાયરલેસ મેસેજ કરી દરીયામાં જીવ બચાવવા કુદી પડેલ હતા. કોસ્ડ ગાર્ડ તથા સુરક્ષા એજન્સીએ ૧૬ માછીમારોને બોટમાં બચાવી લીધા હતા. બાકીના ૫ લાપતા હતાં. જેમાં હિંમત કાનાભાઈ મકવાણા (રહે. એલમપુર તા. ઉના) તથા પુનાભાઈ નથુભાઈ બાંભણીયા (રહે. સેંજલીયા તા. ઉના) રમેશભાઈ કાનાભાઈ શિયાળ (રહે. દાંડી) (ઉ.વ. ૩૦)ના મૃતદેહ મળી આવેલ હતા. દિલીપભાઈ બાબુભાઈ (રહે. સેંજલીયા), રમેશભાઈ કાનાભાઈ શીયાળ (રહે. સૈયદ રાજપરા)ની શોધખોળ ચાલુ છે.
૩ બોટ સાધનો સાથે દરિયામાં ડુબી જતા બોટના માલિકોને કરોડો રૂપિયાનું નુકશાન ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. લાપતા થયેલ ખલાસીઓને શોધવા અન્ય બોટવાળા દરીયો ખુંદી રહ્યા છે.