તાલાલામાં SPનો લોકદરબાર બન્યો ભાજપનો દરબાર, કોંગ્રેસની ઉપેક્ષા
- લોકોનાં મતોથી ચૂંટાયેલા કોંગ્રેસના એકેય સભ્યને આમંત્રણ નહીં
- માત્ર ભાજપ અને પોલીસનાં મળતિયાઓ જ હાજરઃ લોક દરબારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માગણી
તાલાલા (ગીર), તા. 3 મે 2019, શુક્રવાર
તાલાલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશનના અંતે તાલાલા પંથકમાં પોલીસની કામગીરીની સમીક્ષા કરી તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોની સુખાકારીને લગતા પોલીસ પ્રશ્નોની વિગતો એકત્ર કરી સ્થળ ઉપર પરીણામ લક્ષી નિવારણ લાવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાજુલ ત્રિપાઠીએ તાલાલા ગીરમાં સર્વપક્ષીય અને વિવિધ સામાજીક અગ્રણીઓ તથા પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિ માટે લોક દરબારનું આયોજન કર્યું હતું.
આ લોક દરબારમાં તાલાલા તાલુકા કોંગ્રેસના પ્રજા તથા પાર્ટીના તમામ મુખ્ય પદાધિકારીઓની સંપૂર્ણ બાદબાકી કરી નાખતા તાલાલા તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ ચોંકી ઉઠયા છે. તાલાલા ખાતે પ્રજાની સુખાકારી માટે યોજાયેલ એસ.પી.નો લોક દરબાર પ્રજાના બદલે ભાજપ અને પોલીસના મળતીયાઓના લોકદરબાર સાથે સરખાવી પોલીસે મનમાની રીતે યોજેલ લોક દરબારની તપાસ કરવા તાલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી.બી. સોલંકીએ માંગણી કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના ૧૮ માંથી ૧૪ સભ્યો કોંગ્રેસના છે. તાલાલા પંથકના જિલ્લા પંચાયતના ત્રણે - ત્રણ સભ્યો કોંગ્રેસ ના છે. આ ઉપરાંત તાલાલા નગરપાલિકા ના ૨૪ માંથી ૧૦ સભ્યો કોંગ્રેસના છે.
પ્રજાના મતોથી ચૂંટાયેલ પ્રજાના એક પણ સભ્ય ને આમંત્રણ આપવામાં આવેલ નથી. આ ઉપરાંત તાલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા તાલાલા શહેર કોંગ્રેસે પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના એક પણ મુખ્ય અગ્રણી ને તાલાલા ખાતે ના એસ.પી.ના લોક દરબારમાં આમંત્રણ આપવામાં આવેલ નથી.
તાલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યુ હતું કે તાલાલા ગીરમાં જયારે જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ વડા દ્વારા તાલાલા પંથકમાં પોલીસ કામગીરી તથા પોલીસ કામગીરી સામેના પ્રશ્નો સાંભળવા પ્રજાના પ્રતિનિધીઓ તથા સર્વ પક્ષીય અગ્રણીઓ સાથે પરામર્શ કરવા બેઠકો યોજાય છે. આ તમામ બેઠકોમાંથી લાંબા સમય થી કોંગ્રેસના પ્રજાના મુખ્ય પ્રતિનિધીઓ તથા પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ દુર રાખવામાં આવે છે.
આ અંગે અગાઉ પોલીસનું ધ્યાન દોરી ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ પોલીસ દ્વારા વારંવાર ભુલનું પુનરાર્વતન કરવામાં આવતું હોય, તાલાલા પંથકમાં પોલીસની કથીત કામગીરીથી જિલ્લાના ઉચ્ચ પોલીસ અમલદારોને અંધારામાં રાખવા માટે આખા કોંગ્રેસ પક્ષને પોલીસના દરબારથી દુર રાખવામાં આવે છે. ઉચ્ચ પોલીસ અમલદારોની અગત્યની બેઠકો ફારસરૂપ બને નહીં માટે આ અંગે ત્વરીત તપાસ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખે તાલાલા પંથકની પ્રજાવતી માંગણી કરી છે.