ઉના તાલુકાના આમોદ્રા ગામે લગ્નનાં બીજા જ દિવસે પત્ની ભાગી જતા યુવાનનો આપઘાત
- યુવતી તથા દલાલ સામે પગલાંની માંગ કરી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર: પરિવારજનો દ્વારા ઉનામાં ધરણાં
ઉના,તા. 24 ફેબ્રુઆરી 2019, રવિવાર
ઉના તાલુકાના આમોદ્રા ગામે રહેતા યુવાને પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કર્યાના બીજે જ દિવસે આ યુવતી નાસી જતા લાગી આવતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો કાઈ આપઘાત કરી લેતા પરિવાર યુવાનનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી પુરુષ તથા મહિલા દલાલો તથા ભાગી ગયેલી યુવતી સામે પગલાંની માંગ કરી ઉનામાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે આજે ધરણાં ઉપર બેસી જતા મામલો ગરમાયો છે. વેરાવળ ડીવાયએસપી સહિતના અધિકારી ઉના દોડી ગયા છે.
બનાવની વિગત મુજબ ઉના તાલુકાના આમોદ્રા ગામે બાબુભાઈ સીદીભાઈ ઉનેવાળ (ઉ.વ.૨૪) પોતાના માતા જાહીબેન સાથે દલિત વાસમાં રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના ૪ ભાઈઓ પણ બાજુમાં રહી મજુરી કામ કરે છે. બાબુભાઈના લગ્નનો કાંઇ મેળ પડતો ન હોઈ ગરાળ ગામે ગોરપદાનું કામ કરતા ભાણાભાઈ અમરાભાઈ સાથે સંપર્ક કરી લગ્ન માટે કન્યા શોધી આપવાનું કરતા ભાણાભાઈએ ૨ લાખ રૂપિયામાં પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કરાવી આપશે તેમ કહેતા આ અંગે નક્કી કરી તે પૈકી ૬૦ હજાર રૂપિયા બાબુભાઈએ તેમને આપ્યા હતા.
દલાલ ભાણાભાઈ મહારાષ્ટ્રની યુવતી શોભનાબેન (ઉ.વ.૩૫) તથા દલાલ હસીનાબેન તથા મમતાબેન નામની બે મહિલાને લઈ આમોદ્રા આવતા બાબુભાઈ સાથે શોભનાના લગ્ન સાદાઈથી ફુલહાર પહેરાવીને તા. ૨૧ના રોજ કરાવી દીધા હતી. લગ્નના બીજે જ દિવસે તા. ૨૨ના શોભનાએ ઉના ખાતે ખરીદી કરવા જાઉ છું તેમ કહેતા બાબુભાઈ તેણીને લઈ ઉના આવ્યા હતા. ઉના એસ.ટી. બસ સ્ટેન્ડમાં શોભનાએ બાથરૂમ કરવા જાઉં છું તેમ કહીને ગયા બાદ પરત ન આવી નાસી જતા શોધખોળ બાદ પણ પત્તો લાગ્યો નહતો.
તેથી દલાલ ભાણાભાઈનો સંપર્ક કરતા તેમણે પહેલા લગ્ન કરાવ્યાની બાકી રકમની ઉઘરાણી કરી આ રકમ ચૂકવી દેવા દબાણ કરતા બાબુભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા લાગી આવતા ગત રોજ તા. ૨૩ના પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા પરિવાર તેને ઉના દવાખાને લઈ આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે એ.ડી. નોંધતા પરિવારે ગરાળાના દલાલ, બે મહિલા દલાલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.
પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધતા પરિવારે તથા દલિત સમાજના અગ્રણીઓએ મૃતદેહ ન સ્વીકારી આજે ઉનાના ત્રિકોણ બાગ ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ન્યાય માટે રોડ ઉપર ધરણાં કરી બેસી ગયા હોઈ આ અંગે જાણ થતા વેરાવળ ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉના દોડી ગયા છે તથા સમજાવટ હાથ ધરી ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.