સુત્રાપાડા પાસે રસ્તા રોકો આંદોલન છેડી કેન્દ્રીય મંત્રી માંડવિયાને ઘેરાવ
- 6 દાયકાથી બિસ્માર રસ્તાનાં પ્રશ્ને ગ્રામીણ લોકો વિફર્યા
- તાબડતોબ માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓને બોલાવીને તાકિદે રોડ બનાવવાની સુચના આપતા મામલો થાળે પડયો
વેરાવળ, તા.૨૮ જુલાઇ 2018, શનિવાર
ભારે વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી મનસુખ માંડવીયાને આજે બપોરે સુત્રાપાડા નજીક ગ્રામીણ લોકોએ રસ્તા પર ઉતરી આપીને આંતર્યા હતા અને છ દાયકાથી બિસ્માર રોડનાં પ્રશ્ને ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. પરિણામે કેન્દ્રીય મંત્રીએ તાબડતોબ માર્ગ - મકાન વિભાગનાં અધિકારીઓને બોલાવીને તાત્કાલિક રોડ બનાવી આપવાની સુચના આપતા મામલો થાળે પડયો હતો.
સુત્રાપાડા તાલુકાનાં વિરોદર અને અમરાપુર ગામને સાંકળતો મહત્ત્વનો રોડ છેલ્લા છ દાયકાથી નહીં બનતા ગાર્ડ માર્ગથી પણ બદતર હાલત થઇ ગઇ છે. ચોમાસામાં તો રોડ પર ચાલી પણ શકાતું નથી. પરિણામે વર્ષોથી ગ્રામજનો રજૂઆતો કરીને થાકેલા ગ્રામજનોએ એકાદ વર્ષ પહેલા નિકળેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીને આંતરીને આક્રોશ ઠાલવતા 'વહેલી તકે પાકો રોડ બનાવી આપશું' એવું વચન આપીને જતાં રહ્યા હતા.
પરંતુ હજુ સુધી રસ્તો નહીં બનતા અંતે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં કાફલાને ગ્રામજનોએ અટકાવીને રોષભેર રજૂઆત કરી હતી. પરિણામે વહિવટી અને પોલીસ તંત્ર તેમજ ભાજપનાં આગેવાનોને દોડધામ થઇ ગઇ હતી.
ગ્રામજનો રસ્તા ઉપર આડા ઉભા રહી ગયા હતા. જેથી કેન્દ્રીય મંત્રીએ કારમાંથી બહાર આવીને ગ્રામજનોની રજૂઆત સાંભળી તાબડતોબ માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓને બોલાવી રસ્તો બનાવી આપવા સુચના આપતા મામલો થાળે પડયો હતો.
આ પહેલા આજે સવારે વેરાવળના સેવાસદન ખાતે કેન્દ્રીયમંત્રીએ વહિવટીતંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટીનાં અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્પષ્ટ તાકીદ કરતા કહ્યું કે, રોડ નબળા થશે તો એજન્સી, અધિકારીઓ કન્સલ્ટન્ટો અને રોડની કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોની જવાબદારી નક્કી કરી પગલા લેવાશે.
ગીર - સોમનાથ જિલ્લામાં રાજ્ય અને પંચાયત વિભાગનાં રસ્તાઓને રૃા. ૪૦ કરોડ જેટલું ભારે વરસાદથી નુકશાની થયું હોવાનું તથા નેશનલ હાઇવેનાં રસ્તાઓને રૃા. ૨ કરોડનું નુકશાન થયું હોવાનું બેઠકમાં જણાવ્યું હતું. આ રસ્તાઓને સ્થિતિ જાણી તેમણે સત્વરે ઘટતી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ ઇણાજ સેવા સદન ખાતે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, રાજ્ય બીજ નિગમનાં ચેરમેન, પૂર્વ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, અગ્રણી સહિતનાં ઉપસ્થિત પદાધિકારીઓ પાસેથી ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામડા લોકો જિલ્લાનાં રસ્તા, નેશનલ હાઇવે સહિતની વિગતો મેળવી હતી. જિલ્લા વહિવટીતંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોડ નેટવર્ક, ખેતીવાડી તથા અન્ય વિભાગને થયેલા નુકશાનની સ્થિતિ અને જિલ્લા વહિવટીતંત્રએ કરેલી કાર્યવાહીથી વાકેફ થયા હતા.
આ બેઠકમાં ઉના કોડીનાર વેરાવળ નિર્માણધિન નેશનલ હાઇવેમાં જરૃરી ઓવરબ્રીજ, અંડરબ્રીજ, ટોલ પ્લાઝામાં ફેરફાર તેમજ આવશ્યકતા અને જરૃરીયાત મુજબ ડિઝાઇન ફેરફાર અંગે પણ પદાધિકારીઓની રજૂઆતો સાંભળી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને જરૃરી સુચનાઓ આપી હતી.