ભાજ૫ના આગેવાનો સામે પક્ષે કોઈ કાર્યવાહી ન કરી
- ગીર સોમનાથમાં રાશનનો જથ્થો સગેવગે કરનારા
- ગરીબોને આપવાના અનાજનું ખુલ્લેઆમ કાળા બજાર કરી નાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
વેરાવળ, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર
લોકડાઉન દરમ્યાન ગરીબોને આપવા માટેના રાશનના જથ્થાને બારોબાર સગેવગે કરવા મામલે તંત્ર દ્વારા જેમની રાશનની દુકાનના પરવાના માત્ર એક માસ માટે સ્થગિત કરવામાં આવ્યા એ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ ડાયાભાઈ જાલોદ્રા અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલ વોરા સામે ખુદ એમના પક્ષ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું કોંગ્રેસે મહેણું માર્યું હતું.
બેડિયા ગામે સસ્તા અનાજના દુકાનદાર ડાયાભાઈ અને ધોકડવાના દુકાનદાર વિશાલભાઈએ ગરીબોને પહોંચાડવાના અનાજનું ખુલ્લેઆમ કાળા બજાર કર્યું હોવાનો, લોકડાઉન વખતે કીટ બનાવી વિતરણ કરી નાખ્યાનો તેમ જ વર્ષોથી બન્ને પરવાનેદારોએ મૃતકો અને ગામમાં રહેતા ન હોય એવા પરિવારના નામે જથ્થો ઉધારી માલ બારોબાર વેચી નાખ્યાનો ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશે આક્ષેપ કર્યો હતો.
ઉપરાંત કોંગ્રેસ કાર્યકર એભલભાઈ બામણિયાએ જણાવ્યું કે અનેક ફરિયાદો કરવા છતાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ કામગીરી થઈ નહીં ત્યારે ગાંધીનગર ખાતે રાવ કરવામાં આવી હતી. જેમાં ૧૦ ટકા તપાસ થઈ છે. હજી પણ ભાજપ બન્ને આગેવાનને બચાવવા પ્રયત્ન કરતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.