કોડીનાર પંથકમાં તોફાની પવનથી કેરી-કેળાનાં ઊભા પાકનો સફાયો
- ખેડૂતો અને ઈજારદારોની હાલત કફોડી
- કેસર કેરીનો પાક મોડો થયો અને સિઝન પુરી થવામાં હતી ત્યારે જ પુષ્કળ તૈયાર પાક ખરી પડયો, આંબાઓ પણ તૂટયા
કોડીનાર,તા.18 જૂન 2019, મંગળવાર
કોડીનાર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરે વ્યાપક નુકસાની સર્જી છે. વાવાઝોડાની અસરના કારણે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીઓ અને કેળા સહિતના ઉભા પાકનો સોથ વળી જતાં અને આંબાઓ ઉપરતી મોટા પ્રમાણમાં કેરીઓ ખરી જતાં ખેડૂતો અને ઈજારાદારોને જંગી નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, કોડીનાર તાલુકામાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન પુરી થવામાં હતી. ખેડુતો અને કેરીના ઈજારા રાખતા ઈજારાદારોને પાછોતરો પાક સારો આવવાની આશા હતી. પરંતુ તેવામાં વાયુ વાવાઝોડાએ વેરી બનતા વાવાઝોડાના કારણે ફુંકાયેલા ભારે પવનના કારણે આંબા ઉપરતી મોટા ભાગની કેરીઓ ખરી પડતા અને કેરીના આંબાના વૃક્ષોનો પણ સોથ વળી જતાં ખેડુતો અને ઈજારદારોને લાખો રૂપિયાનો નુકશાન થવાની ભીતિ સર્જાતા નાના ઈજારાદારોની હાલત ભારે કફોડી બની છે.
આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને કોડીનાર તાલુકામાં કેરીનો ઈજારો રાખાત હાજી રફીકભાઈ જુણેજાએ જણાવ્યા મુજબ, આ વર્ષે હવામાનના કારણે કેરીનો પાક મોડો હોય ત્યારે વાયુ વાવાઝોડાએ તબાહી સર્જતાં કેરીના મોટાભાગના ઈજારાદારોની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડતાં જંગી નુકસાન થયું હોવાથી સાથે સમગ્ર બગીચામાં પડેલી કેરીઓને સાફ કરવા માટે મજુરી પણ માથે પડે તેવી સ્થિતિ છે. ઈજારાદારોની હાલત અતિ કફોડી બની હોય, સરકાર નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવેતેવી માંગ છે. કેરીના પાક ઉપરાંત કેળાના ઉભા પાકનો પણ સોથ વળી જતાં ખેડુતો અને ઈજારદારોની હાલત દયનિય બની છે.