14 પાંજરાઓ મુકવા છતાં આદમખોર દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ
- નાની પીંડાખાઈમાં વૃદ્ધને ફાડી ખાધાની ઘટના બાદ
- મોટો અને ખૂંખાર દીપડો હોવાની ગ્રામજનોની ફરિયાદ, પાંજરામાં નહીં આવતા દીપડાને પકડવા અન્ય તરકીબ વન વિભાગે અપનાવી જરૂરી
વિસાવદર તા. 20 ઓક્ટોબર 2019,રવિવાર
વિસાવદરના નાની પીંડાખાઈ ગામે ઘરમાં ઘૂસી વૃદ્ધને દીપડાએ ફાડી ખાધાની ઘટના બાદ લોકરોષનો ભોગ બનેલા નિંભર વનતંત્રએ આજ સુધી કદી ના મૂક્યા હોય તેટલા પાંજરા મુકી માનવભક્ષી દિપડાને પકડવા કરેલી મહેનત આજે પણ નિષ્ફળ નીવડી હતી. જાણકારોનાં મત પ્રમાણે હવે આ માનવભક્ષી દીપડો પાંજરામાં આવે તેવી કોઈ શક્યતાઓ છે નહીં અને ખુંખાર માનવભક્ષી દીપડો અન્ય વ્યક્તિઓ પર હુમલો કરે તેવી દહેશતથી લોકો થર થર ધૂ્રજી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, દિપડા એ માનવને ફાડી ખાધાના કિસ્સામાં વન વિભાગ બે-ચાર પાંજરૂ મુકી દીપડાને પકડવાની મહેનત કરતું હોવાનું ગાણુ ગાય છે, પરંતુ ગઈકાલે નાની પીંડાખાઈના ગ્રામજનો, ધારાસભ્ય અને દલિત સમાજના લોકોએ વનવિભાગને ઝાટકી નાખી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ સમગ્ર મામલાની ગંભીરતા સમજાઈ અને પીંડાખાઈમાં ૧૧ અને શોભાવડલા, કાનાવડલામાં કુલ મળી ૧૪ પાંજરા મૂકી દીપડાને પકડવા કવાયત શરુ કરી હતી.
પરંતુ દીપડાઓ પણ એટલા જ સજાગ બની ગયા છે કે પાંજરામાં ઝટ દઈને આવતા નથી. કારણ કે, મોટાભાગના દીપડાઓને વન વિભાગ પાંજરામાં પકડી થોડા સમય બાદ ફરી છોડી દેતા હોય છે. દીપડા ચાલક પ્રાણી હોય છે, જેથી ફરીવાર પાંજરામાં પુરવા મુશ્કેલ છે.
નાની પિંડાખાઈના લોકોના જણાવ્યા પ્રમાણે, માનવ પર હુમલો કરનાર દીપડો ખુબજ મોટો અને ખુંખાર છે. સામાન્ય દીપડાની આ તાકાત નથી કે મોટા મનુષ્યને પકડીને ખેંચી શકે. જેથી આ ખૂંખાર મોટા દીપડાને પકડવા માટે વનવિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવવા સિવાયની પણ અન્ય કોઈ તરકીબ અપનાવી જોઈએ. કેમકે, દીપડાની ૩૦થી વધુ કિ.મી.ની ટેરેટરી હોય છે.
આ સમગ્ર પંથકમાં ખેડૂતો, ગ્રામજનો, મજૂરો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. હાલ ખેડૂતોને પાક ઉપાડવાની સિઝન હોય જેથી મોટાભાગના ખેડૂતોએ રાત્રિના રખોપા માટે વાડીએ રહેવું પણ જરૂરી છે. બીજી તરફ માનવભક્ષી દીપડાના ભયના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.