હિરણ નદી પરનો જર્જરીત પુલ હવે ગમે ત્યારે સર્જશે અકસ્માત
- ત્રણ જિલ્લાને જોડતા પુલને તાકીદે રીપેર કરાવો
- ભારે ચોમાસાને કારણે નબળા પુલ-નાલા બની રહ્યા છે જોખમી
માર્ગ-મકાન ખાતુ સત્વરે તાકીદના પગલાં લ્યે
ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે માગ્યા મેહ વરસ્યા હોય તેમ ચારે બાજુ શ્રીકાર વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. જળાશયોમાં વિપુલ પ્રમાણમાં જળરાશિ જોવા મળે છે. આ સ્થિતિમાં વેરાવળ-ઉના રોડ ઉપર આવેલા હિરણ નદીનો પુલ જર્જરીત થઈ ગયો હોવાથી ગમે ત્યારે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાય તેવી સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાને ત્રણ જિલ્લા સાથે જોડતા આ વિશાળ પુલને રીપેર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાશે તેવી રજૂઆત કરી હિરણ નદીના પુલને સત્વરે રીપેર કરવાની માગણી દોહરાવવામાં આવી છે.
વેરાવળથી ઉના જતા રોડ ઉપર આવેલ હિરણ નદીનો પુલ આવેલ છે, તે પુલ જર્જરીત અને ભયજનક હાલતમાં છે, અને આ પુલ ઉપરથી ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા છે, આ પુલની બંને સાઈડો ઉપરથી મોટા વાહનો સામસામે પસાર થઈ રહ્યા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે.
આ હિરણ નદીનો પુલ ત્રણ જિલ્લાને જોડતો પુલ છે, જો આ પુલ ઉપર કોઈ અકસ્માતનો બનાવ બને તો આ ત્રણ જિલ્લાઓનો વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. પ્રભાસપાટણમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જો આ પુલ કોઈપણ કારણોસર તૂટી જશે તો વેરાવળ-ઉના-સુત્રાપાડાના ગામડાઓના લોકોને હાલાકી ભોગવવી પડશે.
સોમનાથના ધારાસભ્યે વેરાવળથી ઉના જતાં રસ્તા ઉપર આવેલ હિરણ નદીના પુલને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરી બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ પુલને ચોમાસાના દિવસોમાં સુરક્ષિત રાખવાનું કામ કપરૂ છે તેવા સંજોગોમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આ પુલ ઉપરથી પસાર થતા વાહનચાલકો માટે અન્યત્ર સલામત રસ્તો શોધી કાઢી ડાયવર્ઝન ઊભું કરવામાં આવે તે જરૂરી છે તેમજ યુદ્ધના ધોરણે પુલનું રીપેરીંગ કામ શરૂ થાય તે જરૂરી હોવાની તાકીદ કરી છે.