Updated: Mar 27th, 2023
- તાલાલા પંથકનાં ખેડૂતો દ્વારા રોષભેર આવેદનપત્ર
- સતત ત્રીજા વર્ષે કેરીનો પાક નિષ્ફળ ગયો હોવાથી વિના વિલંબે સર્વે સહિતની પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી
તાલાલા, ગીર : તાલાલા તાલુકાની જીવાદોરી સમાન સતત ત્રીજા વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી કેરીના નાશ પામેલા પાકનું તુરંત સર્વે કરાવી વહેલાસર યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે કેસર કેરીના ઉત્પાદક કિસાનોના ઉત્કર્ષ માટે કામ કરતી તાલાલા ગીર કેસર ખેડુત પ્રોડયુસર સંસ્થાની રાહબરી હેઠળ ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.
તાલાલા મામલતદાર મારફત મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને પાઠવેલ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં બોરવાવ, મોરૂકા, આંકોલવાડી, બામણાસા, સુરવા, રમળેચી, જશાપુર, ધાવા, માધુપુર, હડમતીયા, રસુલપરા, ધણેજ, ગુંદરણ, જાવંત્રી, વાડલા ગીર સહિત ગામોમાંથી મોટી સંખ્યામાં કિસાનો તથા વિવિધ ગામના સરંપચો, સહકારી મંડળીના પદાધિકારીઓ જોડાયા હતાં. આવેદનપત્રમાં કિસાનોએ જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા વાવાઝોડાને કારણે તૈયાર પાક નાશ પામ્યો હતો. ત્યારબાદ વાવાઝોડાની સાઈડ ઈફેકટનાં કારણે નહીવત પ્રમાણમાં પાક આવતા બીજા વર્ષે પણ કેરીનો પાક નિષ્ફળ ગયો હતો. આ વર્ષે કરા સાથે કમંસમી વરસાદનાં કારણે કેરીનો મોટાભાગનો પાક સાવ ધોવાઈ ગયો છે. તાલાલા તાલુકાનાં કિસાનો બાગાયતી ખેતી ઉપર નિર્ભર છે. ત્રીજા વર્ષે પણ કેરીનો પાક નિષ્ફળ જતાં કિસાન પરિવારો નોંધારા થઈ ગયા છે.
કેસર કેરી તાલાલા પંથકનો મુખ્ય પાક છે. જે અવિરત ત્રીજા વર્ષે નિષ્ફળ જતાં ખેડૂતોએ મેળવેલ પાક ધિરામ ભરપાઈ કરી શકે તેમ નથી. તેથી કિસાનો માટે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. પરિણામે કેરીના નિષ્ફળ પાકનું તુરંત સર્વે કરાવી કેરીના ઉત્પાદક કિસાનોને તુરંત યોગ્ય વળતર ચૂકવી આર્થિક પાયમાલીમાંથી ઉગારવા માંગણી કરી છે. તાલાલા પંથકના નિષ્ફળ કેરીના પાકનું ખેડુતોને યોગ્ય વળતર ચૂકવવા સાત દિવસમાં નિર્ણય કરવામાં નહીં આવે તો ગીર ોસમનાથ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાલાલા પંથકના કિસાનો કલેકટર કચેરી સમક્ષ ધરણાં કરશે તેવી ચિમકી પણ ખેડુતોએ આપી છે.
કેરીના પાકનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરો
તાલાલા પંથકના ૪૫ ગામની ખેડવાણલાયક કુલ ૨૯૬૨૮ હેકટર જમીન પૈકી ૧૬ હ જારથી હેકટરથી વધુ જમીનમાં કેસર કેરીના બગીચા છે. જેમાં કેસર કેરીના ૧૬ લાખ આંબા (વૃક્ષો) આવેલ છે. આ વિસ્તારમાં એક પણ ઉદ્યોગ નથી. પરીણામે તાલાલા તાલુકાનો સંપૂર્ણ આધાર કેરીના પાક ઉપર નિર્ભર છે, જે નિષ્ફળ જતાં ખેડુતોએ લીધેલ પાક ધિરાણ ચુકવવું કઠીન બની ગયું છે. જેથી કેરીના પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી કેરીના નિષ્ફળ પાકનું વિના વિલંબે વળતર ચુકવી પડી ભાંગેલ કિસાનોને બેઠા કરવા ખુબ જ જરૂરી બન્યું છે.