લોકડાઉન લંબાવાને કારણે સોમનાથ મંદિર ૩ મે સુધી બંધ રહેશે
- મંદિરની વેબસાઇટ અને સોશ્યલ મીડિયાથી ઘર બેઠા દર્શન
વેરાવળ, તા. 14 એપ્રીલ 2020, મંગળવાર
કોરોના વાઇરસને કાબુમાં રાખવા માટે લંબાવવામાં આવેલા લોકડાઉનને કારણે વેરાવળના પ્રસિદ્ધ સોમનાથ મંદિરને પણ તા.૩ મે સુધી બંધ રાખવાનો મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાને આજે લોકડાઉન લંબાવવાની ઘોષણા કરતાં સોમનાથ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લેતાં ભક્તોને અનુરોધ કર્યો કે સૌ સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને ઘરે જ રહે. મંદિરની વેબસાઇટ www.somnath.org તેમ જ ટ્રસ્ટના સોશ્યલ મીડિયાથી ઘર બેઠા લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરી શકશે.
હાલ મંદિર બંધ હોવા છતાં ત્યાંથી સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકો, ઘરવિહોણા લોકોને બન્ને સમય ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એ સેવા પણ લોકડાઉન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.