ઉનામાં બે જૂથ વચ્ચે ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય સહિત છ ઘાયલ
- જૂના મનદુ:ખનાં કારણે માથાકૂટ, ચુસ્ત બંદોબસ્ત
ઉના, વેરાવળ,28 મે 2020 ગુરૂવાર
ઉનામાં આજે જૂના મનદુ:ખનાં કારણે જૂથ વચ્ચે ફાયરીંગ સહિતની અથડામણ થતાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય એવા નગરપાલિકાનાં વર્તમાન પ્રમુખ કે.સી. રાઠોડ સહિત છ લોકો ઘવાયા હતાં. જે ઘટનાનાં પગલે અફડાતફડીનો માહોલ સર્જાતા પોલીસનાં ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસનો ધમધમાટ ચાલુ કરાયો હતો.
પૂર્વ નગરસેવિકાનું અવસાન થતાં સાંત્વના આપીને પરત આવતી વખતે ઘટના : પોલીસ તપાસનો ધમધમાટ
વિગત પ્રમાણે, ગુજરાત વિધાનસભાની ઉના બેઠક પર ભાજપ તરફથી વર્ષ 2007 માં ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડ (કે.સી. રાઠોડ) હાલ ઉના નગરપાલિકામાં પ્રમુખ છે. જેથી ઉના પાલિકાનાં પૂર્વ નગરસેવિકા ગીતાબેન કાંતિલાલ છગનું અવસાન થતાં આજે સવારે તેઓ તેમના પરિવારને સાંત્વના આપવા માટે શહેર ભાજપ પ્રમુખ મિતેષભાઈ શાહનું બુલેટ લઈને ગીરગઢડા રોડ પર આવેલા એમ.કે. પાર્ક કાતે ગયા હતાં.
તેઓ ત્યાંથી સવારે 11.45 વાગ્યાનાં અરસામાં નિકળીને એ જ વિસ્તારમાં રહેતા મિત્ર અનકભાઈ હરીશંકર ઠાકર અને તેમનાં જમાઈ તથા પાલિકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ એન.જોશી સાથે બેઠા હતાં. ત્યારે અચાનક જ કેટલાક શખ્સો ધસી આવ્યા હતાં. અને જૂના મનદુ:ખનાં મામલે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં બન્ને જૂથ વચ્ચે અથડાણણ થઈ ગઈ હતી.
પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, બન્ને જૂથ વચ્ચે ફાયરીંગ પણ થયા હતાં. જેમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડને દાઠી અને ગળાનાં ભાગે ઈજા થઈ હતી. તેમની સાથે બેઠેલા અનકભાઈ ઠાકરને પેટ તતા લોકેશભાઈ હરીશંકર ખટરને છાતીનાં ભાગે ગોળી લાગતા લોહીલુહાણ થઈ ગયા હતાં. જયારે સામા પક્ષે પણ મધુવન ગુ્રપનાં મહેશ ભગવાનભાઈ બાંભણીયા, યશવંત મનુભાઈ બાંભણીયા અને રવિ મનુભાઈ બાંભણીયા (રહે : ત્રણેય ઉના)ને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી ઈજાગ્રસ્તોને પ્રથમ ઉના બાદ રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતાં.
ભાજપ અગ્રણી કે.સી. રાઠોડ પર ફાયરીંગ થયાની વાત વાયુવેગે ઉના શહેરમાં પ્રસરી જતાં સરકારી હોસ્પિટલે લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. તેમના કાર્યાલયે પણ કાર્યકરો દોડી આવ્યા હતાં. પરિણામે સોમનાથ જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સાથે ેક પોલીસ ટીમને રાજકોટ મોકલીને ઈજાગ્રસ્તોનાં નિવેદન લેવા સાથે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.