તંત્ર દ્વારા મોકલાયેલી કીટમાં સડેલાં ડુંગળી, બટાકા,ગંધાતું તેલ!
- વેરાવળમાં ગરીબ પરિવારોને
- ફરિયાદ કરવામાં આવતાં તાત્કાલિક ફૂડ શાખાએ અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો
ચોખાના નમૂના એફએસએલમાં મોકલ્યા
વેરાવળમાં લોકડાઉનની મહામારીને પગલે માગણી કરવામાં આવતાં કલેક્ટરે ગરીબ અને પછાત એવા પરિવારો માટે ૫૦ રાશન કીટ મોકલી હતી, એમાંથી ડુંગળી અને બટાકા સડેલા તેમ જ તેલ ગંધાતું જણાઈ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
૫ હજારની વસતી ધરાવતા ભાલકા વિસ્તારમાં સરકાર કે સાંસદ, ધારાસભ્ય કે કોઈ સંસ્થા દ્વારા જ્યા કોઈ પ્રકારની મદદ પહોંચી નથી એવી સમસ્ત હાડી સમાજ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે ચોખા, તેલ, ડુંગળી, બટકાની બનાવવામાં આવેલી કીટો મોકલવામાં આવી હતી. કીટ ખોલતાં તેલમાંથી દુર્ગંધ આવતી હતી અને ડુંગળી તથા બટાકા સાવ સડી ગયા હોવાની સમાજના આગેવાનો દ્વારા રાવ કરવામાં આવી હતી. મામલતદાર ઓફિસે પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતાં અંતે કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે નગર પાલિકાની ફૂડ શાખાના અધિકારીઓએ અખાદ્ય ડુંગળી, બટાકાનો નાશ કર્યો હતો. તેલ પામોલીન હોવાનું જણાવ્યું હતું. ચોખાના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે હાડી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને બેજવાબદાર સરકારી અમલદારો અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા માગણી ઉઠાવાવમાં આવી હતી.