સોમનાથમાં દિવાળીનાં તહેવારોમાં યાત્રિકો પાસે હોટેલ ભાડામાં લૂંટ
- રૂા. 3થી 12 હજાર સુધીનું ભાડૂ વસૂલાયું!
- ખાણી-પીણીની ચિજો MRPથી અનેક ગણાં વધુ ભાવે વેંચવામાં આવીઃ વહીવટી તંત્ર બન્યુ મૂક પ્રેક્ષક!
વેરાવળ, તા. 1 નવેમ્બર 2019, શુક્રવાર
સોમનાથ આવતા વિશ્વભરના યાત્રીકોને સોમનાથમાં હોટલ ધર્મશાળા તેમજ ગેસ્ટ હાઉસો દ્વારા ભારે લુંટ ચલાવેલ હતી. તેમજ એમઆરપી કરતા વધુ ભાવ લેવાતા યાત્રીકોમાં ભારે રોષ વ્યાપેલ છે.
સોમનાથ દીપાવલીના તહેવારોમાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. પાંચ દિવસ દરમ્યાન બે લાખથી વધારે યાત્રીકો આવી પહોંચતા સોમનાથ બાયપાસ, ત્રિવેણી રોડ, પ્રભાસપાટણ વિસ્તારમાં આવેલી નાની મોટી ૧૦૦થી વધુ ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ તેમજ જેમણે સેવા કરવા માટે રૂમો બનાવેલ છે તેઓએે યાત્રિકો પાસે ભારે લુંટ મચાવતા રોષ ફેલાયેલ હતો.
યાત્રિકોએ જણાવેલ હતું કે રૂપિયા ૩૦૦૦થી ૧૨૦૦૦ સુધી ભાડુ લેતા હતા. તેના કોઈપણ બિલો આપવામાં આવતા ન હતાં. તેમજ રેસ્ટોરન્ટમાં જમવાના ત્રણ ગણા ભાવો વસુલાતા હતા. ખાણીપીણીની વસ્તુઓ એમઆરપીથી વધુ ભાવે વેચાતી હતી. અનેક વિનંતીઓ કરવા છતા માલિકોએ ખુલ્લેઆમ લુંટ કરેલ હતી. જેથી આવનાર યાત્રીકોમાં ભારે રોષ વ્યાપેલ છે. વહીવટી, પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને આવા લોકો સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરાયેલ છે.