સંવેદનશીલ વિસ્તારો સહિત ઓખા પંથકમાં મરીન પોલીસનું પેટ્રોલીંગ
- આતંકી પ્રવૃતિના એલર્ટના પગલે વાહનોનું સઘન ચેકીંગ
- દ્વારકાના જન્માષ્ટમી ઉત્સવમાં સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટનાર હોવાથી લોખંડી સુરક્ષા વ્યવસ્થાઃ ચુસ્ત બંદોબસ્ત
ઓખા, તા. 21 ઓગસ્ટ 2019, બુધવાર
ભારતીય જાસુસી એજન્સીઓના ઈનપુટ મુજબ ચાર આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપવા દેશમાં ઘૂસ્યા હોવાથી ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રની સરહદો સીલ કરીને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ થઈ રહ્યું છે. જેના પગલે ઓખા પંથકમાં પણ સંવેદનશીલ વિસ્તારો સહિતનાં સ્થળોએ ચેકીંગ, પેટ્રોલીંગ, કોમ્બીંગ ચાલુ કરાયું છે.
દેશભરમાં હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન પોલીસના રાજ્ય પોલીસ વડા અને કેન્દ્ર સરકારે એલર્ટ જારી કર્યું છે. ગુજરાત એટીએસે તમામ પોલીસને એલર્ટ કરી રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. સરહદી સીમાડો ધરાવતા દેવભૂમિ દ્વારકામાં હાલમાં કૃષ્ણ જન્માષ્ટમીને ગણતરીના દિવસો બાકી છે. જેમાં દ્વારકા તેમજ બેટ દ્વારકામાં જેમ લાખો શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના હોય દ્વારકા તેમજ બેટ દ્વારકાના તમામ ચેકપોસ્ટ પાર પોલીસ ચેકીંગ સઘન બનાવાયું છે.
ઓખા એ પાકિસ્તાની જળસીમાથી ૯૦ નોટિકલ માઈલની દુરી ધરાવતું સંવેદનશીલ બંદર હોય, ઓખા મરિન પીએસઆઈ જી.જે. સોલંકીની આગેવાની હેઠળ આજે ઓખાને જોડતા ચેકપોસ્ટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેકપોસ્ટ પસાર કરતા દરેક વાહનોનું પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને જેની નોંધણી પણ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત બેટ દ્વારકા તેમજ પોસિત્રા બંદર સહિતના સંવેદનસીલ વિસ્તારોનું પણ સઘન ચેકીંગ ઓખા મરિન પોલીસ દ્વારા હાથ ધરાયું છે. આતંકી હુમલાના ઈનપુટને પગલે ઓખા મરિન પોલીસની બંધ રહેલ પોલીસ પેટ્રોલિંગ બોટને પણ તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવાઈ છે અને ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા એસ.પી.ની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા આગામી તહેવારોના દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓની અપેક્ષિત ભીડ સમયે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કોઈ કચાશ ના છોડતા દ્વારકા, બેટ દ્વારકા, ઓખા તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ, સઘન ચેકીંગ અને તમામ સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડો ગઈકાલે ઓખા પોર્ટ વિસ્તારની વિઝીટ લીધી હતી અને પોલીસ પેટ્રોલિંગ તેમજ ચેકપોસ્ટ પર થતી પોલીસ કાર્યવાહીની જાત તપાસ કરી હતી.