દીપડાએ ઘરમાં ઘૂસી વૃધ્ધને ફાડી ખાધાઃ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
- વિસાવદર તાલુકાના પીંડાખાઈ ગામની ઘટના
- વન વિભાગની બેધારી નીતિ અને લાપરવારી સામે અધિકારીને ઘેરાવ કરીને ગ્રામજનોએ ઠાલવ્યો આક્રોશ, અંતે મામલો થાળે
વિસાવદર, તા. 19 ઓક્ટોબર 2019, શનિવાર
વિસાવદર તાલુકાના નાની પીંડાખાઈ ગામે ઘરમાં સુતેલા વૃધ્ધને દીપડાએ ફાડી ખાધા હતાં. બાદમાં તેમનાં મૃતદેહને પીએમ અર્થે વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનો ગ્રામજનો અને ધારાસભ્ય સહિતના લોકોએ એકઠા થઈ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
જેથી વન વિભાગના આરએફઓ. ડીસીએફ સહિતના અધિકારીઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તેમનો ઘેરાવ કરી ઝાટકણી કાઢી હતી. હવેથી વિસાવદર રેન્જમાંથી પકડાયેલા દીપડાને છોડવામાં નહીં આવે તેવી ખાતરી બાદ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ નાની પીંડાખાઈના વાલભાઈ માણદભાઈ મારુ (ઉ.વ.૬૦) પોતાના ઘરે સૂતા હતા તેવામાં રાત્રીના બે વાગ્યા આસપાસ ૧૦ ફૂટની વંડી ઠેકીને માનવભક્ષી દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને ઓસરીમાં સુતેલ વાલભાઈને ગળાના ભાગેથી પકડી ૧૦ ફૂટ દૂર ફળિયામાં ઢસડી ગયો હતો. તેવામાં ઓસરીમાં સુતેલા તેના પત્ની અને તેના પરિવારજનો જાગી જતા રાડા રાડી કરતા જેથી દીપડો વંડી ટપી બહાર ભાગી ગયો હતો.
પરંતુ વાલભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને પીએમ અર્થે વિસાવદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં નાની પીંડાખાઈના ગ્રામજનો, દલિત સમાજના લોકો ધારાસભ્ય સહિતના એકઠાં થઈ ગયા હતા અને મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓની માંગણી હતી કે માનવ મૃત્યુ કે હુમલામાં વન વિભાગ ધ્યાન આપતું નથી. અને ગંભીરતાથી લેતું નથી જેથી આ બાબતનો કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે.
આ વાતથી વનવિભાગમાં હડકંપ મચી ગયો હતો અને વન વિભાગના આર.એફ.ઓ સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોને ગ્રામજનોને સમજાવવા ગયા હતા. ત્યારે ગ્રામજનોએ તેનો ઉધડો લીધો અને ઘેરાવ કરી જણાવ્યું હતું કે, દીપડાઓ ખેતરો અને ઘરમાં ઘૂસી માનવ પર હુમલા કરે છે તેને ગંભીરતાથી લેતા નથી અને કોઈપણ વન્યજીવને સ્વબચાવ માટે માનવ દ્વારા કાઈ પણ કરવામાં આવે તો તેને મોટી મોટી કલમ લગાડી જેલમાં ધકેલી દેવામાં આવે છે અને માર પણ માનવામાં આવે છે.
આવું ગ્રામજનોએ આર એફ ઓ સહિતના વનવિભાગના સ્ટાફને રોકડું પરખાવી દેતા આર.એફ.ઓ.એ સ્થિતિ પારખી ડી.સી.એફ. ને જાણ કરી હતી જેથી જુનાગઢ થી ડી. સી. એફ. પણ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોને મનાવવા માટે આવવું પડયું હતું.
તેઓને પણ ગ્રામજનોએ પરસેવો છોડાવી દીધો હતો અને જણાવેલ હતું કે, તમારે મન માનવની કિંમત કરતા તમારા વન્યપ્રાણીઓની કિંમત વધુ છે ? આવા બેવડા ધોરણ બંધ કરો અને જંગલીયત મૂકી લોકોને દીપડાઓના ત્રાસમાંથી મુક્ત કરાવો નહિતર જોયા જેવી થશે. તેમ કહી દેતા વન વિભાગના અધિકારીઓ ગ્રામજનો પાસે માત્ર આજીજી કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોય તેમ તમામ વાતોનો સ્વીકાર કરવો પડયો અને અંતે ગ્રામજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો અને આ લાશને વન વિભાગે તેના વાહનમાં નાની પીંડાખાઈ ખાતે મુકવા પણ જવી પડી હતી.
ગીર જંગલ આસપાસ માનવભક્ષી જનાવરોનો આતંક
માત્ર છ મહિનામાં નવ માનવી ખૂંખાર દીપડાનો બન્યા શિકાર
વારંવાર દીપડા-સિંહોનાં હુમલાનાં બનવા લાગેલા બનાવો ચિંતાજનક
વિસાવદરનાં નાની પીંડાખાઈ ગામે આજે ખૂંખાર દીપડાએ એક વૃધ્ધને ફાડી ખાધાની ઘટનાએ ચકચાર જગાવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે, ગીર જંગલ આસપાસ છેલ્લા છ મહિનામાં જ માનવભક્ષી દીપડાઓએ નવ લોકોનો શિકાર કરીને મોતને ઘાટ ઉતાર્યા છે.
જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને સાંકળતા ગીર જંગલ વિસ્તારની વાત કરીને તો અગાઉ અમરેલી જિલ્લાનાં મુંજીયાસર, ભાવરડી, સુડાવડમાં એક-એક તથા મોણવેલમાં બે વ્યક્તિને દીપડાએ ફાડી ખાધા હતા. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વિસાવદરનાં હસનાપર, કાંકચીયાળા, ભટ્ટવાવડી અને નાની પીંડાખાઈમાં એક-એક માનવીનો ખૂંખાર દીપડાઓએ જીવ લીધો છે.
આમ, માત્ર છ મહિનામાં જ માનવભક્ષી દીપડાઓએ નવ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. વળી, દીપડા અને સિંહ જેવા જંગલી જનાવરોનાં હુમલાનાં બનાવો તો હવે જાણે રોજીંદા બનવા લાગ્યા છે. જે બાબતને સરકારે ગંભીરતાથી લઈને વનતંત્રને દોડતું કરવું જોઈએ એવી ગીરકાંઠા આસપાસનાં લોકો ઈચ્છી રહયા છે.
ડી.સી.એફ. દ્વારા સ્થાનિક લોકોને ખાતરી
વિસાવદર રેન્જમાંથી પકડાયેલા દીપડાઓને હવે આજીવન કેદ
મોણવેલમાં બે લોકોને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવામાં પણ હજુ સુધી વનતંત્ર નિષ્ફળ
વિસાવદરમાં વનવિભાગને આજે લોકોએ ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય તેવો ઘાટ સર્જાયો હતો. લોકોએ તમામ સાચી વાતો વનવિભાગને મોઢે સાંભળવી દેતા ગીર પશ્ચિમના ડી. સી. એફ. મિત્તલે વિસાવદર રેન્જમાં પકડવામાં આવતા તમામ દીપડાઓને હવે છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપવી પડી હતી.
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ આજે જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કલેક્ટરને ફરિયાદ કરી હતી કે વનવિભાગ બેવડા ધોરણો અપનાવે છે તેને જરૂરીયાત હોય તેવા વન્ય પ્રાણીને લગતા સારવાર સહિતના તમામ કામો તાત્કાલિક પૂર્ણ થાય છે. માનવ મૃત્યુ થાય તેવા કિસ્સામાં વનવિભાગ કોઈ દરકાર જ લેતું નથી દિપડાના રોજબરોજ હુમલાઓ થાય છે અને પાંજરાઓ મૂકી વનવિભાગ સંતોષ માને છે. માનવ મૃત્યુ માં ૪ લાખની સહાય કરી સંતોષ માની બેસી જાય છે.
મોણવેલમાં બે લોકોને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો વનવિભાગની પકડ બહાર છે તેવું ધારાસભ્યએ જણાવી કહેલ કે, વનવિભાગ દ્વારા દીપડા પકડવાના નામે માત્ર નૌટંકી કરવામાં આવે છે. સામાન્ય રીતે હુમલાનો બનાવ બને ત્યારે પાંજરું મુકી દે અને પાંજરામાં ગમે તે દીપડો પુરાઈ જાય જેથી કામગીરી પૂર્ણ થઇ હોય અને સંતોષ માની લે છે પરંતુ હજુ વિસાવદર પંથકમાં માનવભક્ષી ત્રણથી ચાર દીપડાઓ ખુલ્લેઆમ માનવ મૃત્યુ નિપજાવી રહ્યા છે. તેને વનવિભાગ પકડતું નથી.