કોડીનારમાં સવારથી બપોર સુધી ખોલવાની દુકાનો અંગે જાહેરનામું
- કોરોના લોકડાઉનમાં શરતી છૂટછાટ
- કરિયાણા અને મેડિકલ સ્ટોર ઉપરાંત સ્ટેશનરી, મોબાઈલ રિચાર્જ, ઈલેક્ટ્રીક, પંચર, એસી રીપેરીંગને મંજૂરી
વેરાવળ, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
કોડીનારમાં કોરોના લોકડાઉનમાં શરતી છૂટછાટ આપવા સાથે કલેક્ટર દ્વારા અન્ય કેટલાક વેપાર-ધંધાને સવારથી બપોર સુધી ચાલુ રાખવા અંગે જાહેરનામું બહાર પડાયું છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશના જાહેરનામા અનુસાર કોડીનાર શહેરમાં કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર્સ, સ્ટેશનરી, બુકશોપ, મોબાઈલ રિચાર્જની દુકાન, ટાયર-પંચર શોપ, ઈલેક્ટ્રીક શોપ, એ.સી. રીપેરીંગ શોપની દુકાનો સવારના ૮ થી ૧૪ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દરેક દુકાનદારોએ કાયદાની જોગવાઈ મુજબ આવશ્યક લાઈસન્સ ફરજીયાત રાખવાનું રહેશે. લાઈસન્સ ન ધરાવતા દુકાનદારોની તાત્કાલીક અસરથી દુકાન બંધ કરાવવામાં આવશે. તમામ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ દુકાન ઉપર કેમીસ્ટ ફરજિયાત હાજર રાખવાનો રહેશે. લાઈસન્સ ધારક મેડિકલ સ્ટોર્સ પર હાજર નહીં હોય તો મેડિકલ બંધ કરવામાં આવશે.
જાહેરનામાં દર્શાવેલ દુકાનો જેવી કે, તમાકુ વેચાણ, પાન-ગુટખા, સીગારેટ, દારૂ તથા કેફી પદાર્થોના વેચાણ કરતા એકમો તેમજ હજામતની દુકાનો, સ્પા, ચાની દુકાનો, લારી, સ્ટોલ, ફરસાણ, ખાણીપીણીની લારીઓ, મીઠાઈની દુકાનો તેમજ હોટેલો, રેસ્ટોરેન્ટો બંધ રાખવાની રહેશે, તેમ કોડીનારનાં ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.