For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોમનાથમાં મિનિ કુંભ મેળા સમાન માહોલ છવાયો: 1500 સાધુ- સંતોનું આગમન

Updated: Feb 22nd, 2023

Article Content Image

ત્રિવેણી સંગમ પાસે ચંદ્રભાગા શકિતપીઠમાં ભંડારો યોજાયો  ગિરનાર મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ-સંતો સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અંતિમ પડાવ તરીકે પરંપરા મુજબ સોમનાથ પધારી ભંડારામાં ભાગ લઈ પોતપોતાના આશ્રમે પ્રસ્થાન કરે છે

પ્રભાસપાટણ, : સોમનાથના સોનાપુરી પાસે આવેલા ચંદ્રભાગા શકિતપીઠ-મહાકાલી મંદિર ખાતે ગીરનાર મહાશિવરાત્રી મેળામાં આવેલા સંતો-મહાત્માઓનો ભંડારો યોજાયો હતો. તેમાં ૧૫૦૦ જેટલા સંતો-મહંતો ઉમટતા મીની કુંભમેળા સમાન માહોલ છવાયો હતો અને ત્યારબાદ પોતપોતાના આશ્રમ સ્થાનકોએ પ્રસ્થાન કર્યું હતું. 

ગિરનાર મહાશિવરાત્રી પર્વ મેળાનું રવાડીમાં આવેલા ભારતભરના વિવિધ સાધુ-સંતોના અખાડાઓના સંતો-મહંતો અને તપસ્વીઓ સૌરાષ્ટ્રના તીર્થયાત્રા કરી ત્રિવેણી સંગમ ખાતે આવેલ સોનાપુરી નજીક ચંદ્રભાગા શકિત પીઠ-મહાકાલી મંદિર ખાતે આવે છે તે મુજબ ૧પ૦૦ થી પણ વધુ સંત-મહંતો સોમનાથ આવ્યા છે. 

મહાકાળી મંદિરના મહંત હરિહરગીરીજી મહારાજે જણાવ્યું કે પ્રાચીન સમયથી ગીરનારમાં શિવરાત્રી પર્વ પૂર્ણ કર્યા બાદ આ સંતો તેના અંતિમ પ્રવાસ ચરણમાં સોમનાથ અહીં આવે છે અને સૌને ભેટપૂજા સાથે ભોજન ભંડારો સમુહમાં યોજાય છે. જે પૂર્ણ થયે સૌ પોત-પોતાના આશ્રમો-સ્થાનકોએ પ્રસ્થાન કરે છે. 

આજે આવેલા અખાડાઓમાં પંચ દશનામ જૂના અખાડા, આહવાન અખાડા, મહાનિર્વાણ અખાડા, મહા પંચાયતન અખાડા, રાષ્ટ્રીય સંત દીપકગીરી મહારાજ, મહંત તેમનગીરી મહારાજ, થાનાપતિ હરીઓમ ભારતી આગ્રા, દશામેશ્વર ધાર-કાશીના સંત-મહંતો પધાર્યા હતા. સોમનાથ મહાકાલી મંદિરે સૌએ પંગતમાં બેસી ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. ભંડારામાં ભોજન પીરસાયા બાદ તુરી નામનું બ્યુગલ જેવું વાદ્ય મુખ્ય મહંતની આજ્ઞાાથી અનુમતી અપાય એટલે તુરી વગાડતાં ભોજન પ્રારંભ કરાય છે. આ ભંડારામાના કેટલાક સંતો આસપાસ છાણાનો અગ્નિપેટાવી તપ કરે છે. તો કોઈ સ્વયં પોતાની રસોઈ બનાવે છે. વેરાવળ-પાટણની આસપાસના ગામના સેવકો આ ભંડારામાં સેવા અને સંત દર્શને ઉમટે છે અને સંત ચરણે વંદન કે ભેટ ધરી ભકિતની અભિવ્યકતી કરે છે. 

Gujarat