અનેક લોકો ખબર પૂછવા દર્દીને મળ્યા ! વાવડી, ઉંબરી ગામ સીલ
- ગીર સોમનાથના બેડલક ! ''સોમ સાજા મંગળ માંદા'' જેવું થયું....
- એક દર્દી સાજા થતાં રજા અપાઈ એના બીજા જ દિવસે નવો કેસ : દર્દી અમદાવાદ દાખલ, પણ બે ગામમાં થઈ પડી દોડધામ
પ્રાચી, વેરાવળ, તા.21 એપ્રિલ 2020, મંગળવાર
ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામના યુવકને બિમાર અવસ્થા દરમિયાન અનેક માણસો ખબરઅંતર પૂછવા માટે મળી ચૂક્યા હોવાનું જણાતા સોમનાથ જિલ્લાના આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઈ છે તથા બે ગામ સીલ કરી દેવાયાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગત મુજબ સુત્રાપાડા ના વાવડીગામે રહેતા જાદવભાઈ પંપાણીયા ગત ૧૬ તારીખે રાજકોટ સિવિલ માં સારવાર અર્થે ગયેલ જ્યાં ફરજ પરના તબીબે બે દિવસ એડમિટ કરેલા હતા. રાજકોટથી પરત આવી ૧૯ તારીખ સુધી વાવડી ગામે રહેલા. જ્યાં ગ્રામજનો ઉપરાંત આજુબાજુ ના ગામના અનેક લોકો ખબર અંતર પૂછવા આવેલા ! અચાનક તબિયત બગડતા અમદાવાદ ચેકઅપ માટે ગયેલા, ત્યાં બધી તપાસ કરાવવા સાથે કોરોનાનો રિપોર્ટ કરાવતા ગત રાત્રીના કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ મચી ગયો છે.
આરોગ્ય વિભાગ મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનો કોરોના સામે લડવા ઉતરી પડયા છે, તંત્ર પણ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકઅપ માટે તૈયારીઓ કરી દેવાઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુત્રાપાડાના વાવડી ગામને તંત્ર દ્વારા સીલ કરી પોલીસ બંદોબસ્ત ખડકાયો છે તેમજ પીડિત સાથે હોસ્પિટલે ઉંબરી ગામનો વતની ગયેલો હોવાથી હવે ઉંબરી પણ સિલ કરાયુ છે અને તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ આવેલા વ્યક્તિના સંપર્ક માં આવેલા તમામ લોકોની તપાસ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, વેરાવળના ચાર ચોક વિસ્તારમાં રહેતા કોરોના પેશન્ટ મહિલાના છેલ્લા બે રિપોર્ટ નેગેટીવ આવતા તા.૨૦, સોમવારે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતેથી રજા આપવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ૪૫ વર્ષીય પુરુષને કીડનીની બીમારીના કારણે તેની સારવાર માટે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ગયા તે વખતે તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં હાલમાં તે અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે.