કોટડા સાંગાણી એસ.ટી. બસ સ્ટેશન જર્જરીત, દિવાલોમાં તિરાડો-બાકોરા
- તાલુકા મથકના બસ સ્ટેન્ડની અવદશાથી હાલાકી
- બાથરૂમની છતમાં લટકતા પોપડાઃ મુસાફરો ઉપર જોખમ
કોટડા સાંગાણી, તા. 21 ઓક્ટોબર 2019, સોમવાર
કોટડાસાંગાણી બસ સ્ટેન્ડની હાલત અતિ જર્જરિત હોવાથી મુસાફરોની માથે મોતનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. છતા જવાબદાર તંત્ર દ્રારા આંખ આડા કાન કરાતા હોવાથી મુસાફરોમા ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.
આમતો કોટડાસાંગાણી ૪૨ ગામનો તાલુકા હોઈ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ સહિતની અતિ મહત્વની કચેરીઓ હોઈ જેથી કામ અર્થે દરરોજના હજારો મુસાફરો એસ.ટી.મા મુસાફરી કરતા હોય છે. પરંતુ કોટડાસાંગાણી બસ સ્ટેન્ડમા સુવિધાનો ભારે અભાવ જોવા મળે છે. જેમા એક તો બેસવા લાયક યોગ્ય બેંચની પણ સુવિધા નથી. જે છે તે પણ યોગ્ય કહી શકાય તેવી નથી અને બસ સટેન્ડની દિવાલોમા તિરાડો તેમજ બકોરા પડી ગયેલા છે. છતા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી. એક તરફ સરકાર એસટી પાછળ કરોડોના બજેટની ફાળવણી કરે છે. પરંતુ ક્યાક અધિકારીઓના આયોજનના અભાવે મુસાફરોને સુવિધાને બદલે દુવિધા ભોગવવાનો વારો આવતો હોઈ છે.
અહિંયા નથી પાણી કે નથી યોગ્ય બાથરૂમની સુવિધા. બાથરૂમમા પ્રવેશતા જ જાણે મોત બનીને છત પર લટકી રહેલા પોપડાના કારણે મુસાફરોને પાછા ફરવાનો વારો આવે છે. અનેક રજુઆત છતા કોઈ કામગીરી કરાતી નથી. દુવિધાથી ઘેરાયેલા આ બસ સ્ટેન્ડમા બેસવા કોઈ મુસાફર રાજી નથી. પરંતુ ના છુટકે મુસાફરોને બેસવુ પડે છે. ત્યારે એસટી તંત્ર જર્જરીત બસ સ્ટેન્ડ તોડી પાડી નવા આધુનીક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.