ધાવા(ગીર)માં સગી દીકરીને મોતને ઘાટ ઉતારનાર પિતા અને મોટાબાપુની ધરપકડ


વળગાડની આશંકામાં 14 વર્ષની માસૂમ દીકરી ધૈર્યાનો ભોગ લેવાયો  : એકલૌતી દીકરીને વળગાડનાં નામે વાડીએ સતત પાંચ દિવસ ગોંધી રાખી ત્રાસ આપ્યો, અગ્નિ સમક્ષ ઊભી રાખતા ફોડલા પડી ગયા : ખુરશી સાથે બાંધી રાખી મોતને ઘાટ ઉતારી દીધી, શરીર પર જીવાત પડી ગયા પછી વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ચૂપચાપ અગ્નિદાહ આપી દીધો  રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા અંધશ્રધ્ધાને પોષતા પ્રકરણમાં માસૂમ દીકરી ઉપર 6  દિવસ સુધી અત્યાચાર ગુજારનારા આરોપીઓ સામે ફીટકાર : સુરતનો વધુ એક શખ્સ પોલીસના સકંજામાં

વેરાવળ, તાલાલા, : તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે માયા ધનના મોહમાં અંધ બનીને પરિવારે પોતાની સગી દીકરીનો બલિ ચડાવી દીધાની ગઈકાલે ફેલાયેલી અફવા અને ચર્ચાઓએ જોર પકડયા બાદ પોલીસે આગવી ઢબે તપાસ કરતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મોતને ઘાટ ઉતારી દેવાયેલી નવમા ધોરણમાં ભણતી ચૌદ વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ સુરત રહેતા તેના પિતા ઉપરાંત જેના ઘરે રહીને ધાવા વિરપુર રોડ પર ઉમિયા સંકુલમાં ભણતી હતી એ મોટાબાપુએ  સાથે મળીને વળગાડ કાઢવાના નામે તા.૧થી તા.૬ સુધી અમાનુષી ત્રાસ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતે ધૈર્યાના નાનાએ તાલાલા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસે બાળાના પિતા અને મોટાબાપુની ધરપકડ કરી છે, જયારે એકને સુરતથી રાઉન્ડ અપ કર્યો છે. હજુ ધરપકડનો દોર લાંબો ચાલવાની શકયતા છે એમ પોલીસ કહે છે.

બનાવ અંગે ધૈર્યાના માધુપુર ગીર રહેતા નાના વાલજીભાઈ ઉર્ફે વાલભાઈ દામજીભાઈ ડોબરિયાએ આજે પોલીસમાં લખાવેલી એફ.આઈ.આર.માં  આપેલી વિગત મુજબ ભોગ બનેલી ધૈર્યા (ઉવ. 14) સુરત ખાતે એમના પિતા ભાવેશભાઈ ગોપાલભાઈ અકબરી અને માતા કપીલાબેન રહે છે. એમને એલ્યુમિનિયમ સેકશનનો ધંધો છે. ધાવા ગીરમાં ચકલીધાર નામની સીમમાં ખેતીની જમીન ધરાવે છે. ધૈર્યા આઠ ધોરણ સુધી સુરત ભણી હતી, એ પછી તેને સુરતથી ભણતા ઉઠાડી લઈ ધાવા વીરપુર વચ્ચે આવતા ઉમિયા સંકુલમાં ધોરણ નવમાં ભણવા બેસાડી હતી. એ ધાવામાં રહેતા તેના મોટાબાપુ દીલીપભાઈ ગોપાલભાઈ અકબરી અને તેના દાદા દાદી સાથે રહેતી હતી અને ધાવાથી સંકુલમાં અપડાઉન કરતી હતી. શાળામાં તે ભણવામાં તેજસ્વી હતી. પરિવારની એકની એક દીકરી હતી. 

ગત તા. 8 ઓકટોબરના સવારે આઠ વાગ્યે  માધુપુર રહેતા ધૈર્યાના નાના અને આ કેસના  ફરિયાદી વાલજીભાઈના પુત્ર કમલે વાત કરી હતી કે ધાવાથી ધૈર્યાના મોટાબાપુ દીલીપભાઈનો ફોન આવ્યો હતો કે ધૈર્યા  મૃત્યુ પામી છે. આ જાણ થતાં વાલજીભાઈ, કમલેશ અને વાલજીભાઈના પત્ની લાભુબેન ધાવા જવા નીકળ્યા હતા અને ધાવા પહોંચ્યા ત્યારે ભાવેશભાઈ, દીલીપભાઈ અને અને ગોપાલભાઈ હાજર હતા એને ધૈર્યાની માતા કપીલા સુરતથી ધાવા આવવા નીકળી ગઈ હતી.  એ વખતે ધૈર્યાનું મૃત્યુ કેમ થયું એમ પૂછતા પરિવારજનોએ કહ્યુ હતુ કે ધૈર્યાને ચેપી ફોડલા થઈ જતા હતા અને એમાં રસી થઈ ગયું હતુ. તે ચેપી રોગથી મૃત્યુ પામી છે. તેનો ચેપી રોગ બીજાને ન લાગી જાય એ માટે અમોએ ઘરમેળે અંતિમક્રિયા ધાવાના સ્મશાનમાં કરી નાંખી છે. એ  પછી અમોને શંકા થઈ હતી કે કયાંય ચેપી રોગની સારવાર લીધી ન હતી. એ પછી ધાવા ગીરમાંથી લોકોમાંથી એમ જાણવા મળ્યુ હતુ કે ધૈર્યાનુ મૃત્યુ ચેપી રોગથી નહી પણ તાંત્રિક વિધિના બહાને ભાવેશ અકબરી અને એના ભાઈ દીલીપે હત્યા કર્યાની  વિગતો મળી હતી. આથી વાલજીભાઈએ દીલીપની  પુછપરછ કરતા એમ કહેવાય છે કે ધૈર્યાના પિતા ભાવેશને એવી આશંકા હતી કે ધૈર્યાને કોઈ વળગાડ છે. 

પોલીસની તપાસમાં આ ઉપરાંત બહાર આવેલી કડીબધ્ધ વિગતો મુજબ, તાજેતરમાં સુરતથી ધૈર્યાનો પિતા ભાવેશ અકબરી ધાવા આવેલો હતો અને વળગાડની આશંકાએ તેના દ્વારા આ નિષ્ઠુર કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળાને તા.૧ના રોજ જુના કપડા સાથે વળગાળ કાઢવા ચકલીધારની સીમમાં વાડીએ લઈ ગયા હતા. ભાવેશે ધેર્યાના જુના કપડા તથા અન્ય સામાન વાડીના મકાનની સામે પથ્થર પર સળગાવ્યા હતા. જયારે ધૈર્યાને આ આગની બાજુમાં જ સતત બે કલાક સુધી  ઉભી રાખી હતી. જેથી તેને પગે અને હાથે ફોડલા પડી ગયા હતા. તે રાડો પાડવા લાગી હતી, જેથી દીલીપે તેને પકડીને ધમકાવી હતી. એ જ દિવસે આખી રાત વળગાળ કાઢવાની  વિધિ કરવામાં આવી હતી. તા.રના રોજ ધૈર્યાને છ વાગ્યે ભાવેશ અને દીલીપે ફુલ જેવી માસુમ ધૈર્યાને લાકડી અને વાયર વડે માર માર્યો હતો. એ પછી વાડીમાં વાવેલી શેરડીના વાડમાં વચ્ચે લઈ ગયા હતા. ત્યાં ધૈર્યાને માથાના વાળમાં ગાંઠો વાળી લાકડી બાંધીને બન્ને બાજુ ખુરશી ગોઠવી વાડમાં બેસાડી દીધી હતી. તેને બે ત્રણ દીવસ સુધી ખાવાનુ આપ્યું ન હતુ. તેમજ પાણી પીવા પણ આપ્યું ન હતુ. આ સ્થળે બન્ને વારંવાર જોવા જતા હતા. પણ ધૈર્યા આંખો બંધ રાખીને કઈ બોલતી ન હતી. એ પછી છેક તા. 5ના રોજ વાડમાં જોવા જતા ધૈર્યા વાડમાં બાંધેલી હાલતમાં આડી પડી ગઈ હતી. દુરથી જોતા તે જીવિત હોવાનુ સમજી વાડીએ મકાનમાં બન્ને આવતા રહેતા હતા. એ પછી બન્ને વારાફરતી જોવા જતા હતા. એ પછી તા. 7મીના રોજ સવારે બન્ને જોવા ગયા ત્યારે તે મૃત્યુ પામી હતી. અને તેના શરીરમાં પડેલા ફોડલામાં જીવાત પડી ગઈ હતી. 

ધૈર્યાના મોતને બીજા કોઈને જાણ ન થાય એ માટે લાશને પ્લાસ્ટિકની કોથળી તથા કપડાના બ્લેન્કેટ, ગોદડામાં વીટીને લાશની અંતિમવિધિ કરવાનું નકકી કરી ફોરવ્હીલ કારમાં લપેટાયેલી લાશને ગોઠવી વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ધાવાના સ્મશાનમાં અગ્નિદાહ દઈ દીધો હતો. આવુ કથન ધૈર્યાના મોટા બાપુ દીલીપનું કથન અને કબૂલાત છે.

ધાવાગીરની ધૃણાસ્પદ ઘટનાને બાર એસો.એ વખોડી , આરોપીની તરફે કોઈ વકીલ કેસ નહીં સંભાળે

અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષની માસૂમ બાળકીની હત્યાની ઘટનાને તાલાલા બાર એસોસિએશને વખોડી કાઢી છે તેમજ સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું છે કે આ ગુનાઈત કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓની કોઈપણ જામીન અરજી કે ટ્રાયલમાં તાલાલાના કોઈ એડવોકેટ જોડાશે નહી અને આરોપી તરફે વકીલાત નહી કરે. 

City News

Sports

RECENT NEWS