નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે સોમનાથના શંકર દાદાની પૂજા અર્ચના કરી
ગીર સોમનાથ, તા. 12 ઓગસ્ટ 2019 સોમવાર
દેવોના દેવ મહાદેવની ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખાસ કરીને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. સૌરાષ્ટ્રનું સોમનાથનું મંદિર પણ આસ્થાનું પ્રતીક છે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. સોમનાથ મંદિરમાં વિશેષ કરીને સોમવારે દર્શન માટે લાંબી કતાર જોવા મળે છે.
લાખો લોકો સોમનાથદાદાના દર્શન કરવા હંમેશા તલપાપડ હોય છે. સામાન્ય લોકોની સાથે સાથે સરકારના મંત્રીઓ પણ ભગવાન શંકરના દર્શન કરવા જઈ રહ્યા છે. મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આજે સવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના પરિવાર સાથે સોમનાથ ગયા હતા જ્યાં તેઓએ સવારે થતી દાદાની આરતીમાં ભાગ લીધો હતો તેમજ શિવલિંગ પર પાણીનો અભિષેક પણ કર્યો હતો.
સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખૂબ જ શ્રદ્ધાળુ છે. પૂનમે ભાવનગરના ખોડીયાર માતાના મંદિરે અચૂક દર્શન કરવા જતા હોય છે. જોકે તેઓ સાળંગપુરના હનુમાનજીના દર્શન કરવા પણ નિયમિત થાય છે. શ્રાવણ મહિનામાં પણ તેઓ મહાદેવના દર્શન કરવા સોમનાથ જશે.