સોમનાથમાંથી 2 હજારનાં દરની 21 લાખની જાલી નોટો ઝડપાઈ
- કુલ 1080 જાલી નોટો કબ્જે કરતી પોલીસ
- બેની ધરપકડ, બે ફરાર: કલર પ્રિન્ટર પર જાલી નોટો છાપતા હતાં
વેરાવળ,14 જૂન 2019, શુક્રવાર
સોમનાથ તીર્થધામમાંથી ૨ હજારના દરની જાલી નોટોનું જબરજસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. એસઓજીએ ગીરગઢડાનાં હરમડીયા ગામનાં બે શખ્સોને ૨ હજારના દરની ૧૦૮૦ જાલી નોટો સાથે ઝડપી લીધા હતાં. આ કૌભાંડમાં સામેલ બે શખ્સો ફરાર થઈ ગયા છે. આ ટોળકી કલર પ્રીન્ટર પર જાલી નોટો છાપતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોમનાથ શોપીંગ સેન્ટર અને આજુબાજુનાં વિસ્તારમાંથી ગઈ તા. ૯નાં રોજ હરમળીયાનો પીયુષ પ્રદીપ કુબાવત ૨ હજારની જાલી નોટ લઈ સામાન ખરીદ કરવા આવ્યો હતો. તે વખતે એક દુકાનદારને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૨ હજારના દરની ૫૮ જાલી નોટો કબ્જે કરી હતી. એસઓજીએ તેની વધુ પુછપરછ કર્યા બાદ તેના ઘરે છાપો મારતા ત્યાંથી જાલી નોટ બનાવવાની સાધન-સામગ્રી જેમાં કલર પ્રિન્ટરનો સમાવેશ થાય છે તે કબ્જે કર્યું હતું, આ ઉપરાંત પોલીસે હરમળીયામાં રહેતા ચેતન યશવંતરાય જાનીના ઘરે દરોડો પાડી ત્યાંથી ૨ હજારના દરની ૧૦૨૨ જાલી નોટો કબ્જે કરી હતી.
વધુ તપાસમાં હરમળીયાનાં સંજય નટુભાઈ રાઠોડનું નામ ખુલતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ પીયુશ, સંજય અને નાસતા ફરતા આરોપી ચેતન ઉપરાંત વડોદરાનાં યોગેશ વૈદ્ય મળી આ જાલી નોટનું કારસ્તાન ચલાવતા હતાં. કલર પ્રિન્ટર પર આ ટોળકી જાલી નોટ છાપતી હતી. એસઓજીએ હવે ચેતન અને યોગેશને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ ટોળકી કેટલા સમયથી જાલી નોટનું કારસ્તાન ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી જાલી નોટો વટાવી લીધી તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.