સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ગાંધીનગર મનપા અને વિવિધ પાલિકાઓમાં આવતીકાલે મતદાન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગઠવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Body Elections: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓ માટે 11મી ઓક્ટોબરે મતદાન યોજવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર મનપા અને વિવિધ નગરપાલિકા-પંચાયતોમાં મતદાન
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત ઓખા, ધરમપુર, મહેસાણા, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાઓની વિવિધ બેઠકો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 3-ભાણવડ બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે પણ રવિવારે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સવારે 7થી સાંજે 6 સુધી મતદાન, ઓળખપત્ર ફરજિયાત
મતદાનનો સમય સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધીનો રહેશે. મતદાન માટે મતદારે પોતાનું મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. જો મતદાર પાસે EPIC ઉપલબ્ધ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરાયેલા વૈકલ્પિક ઓળખપત્રો રજૂ કરીને પણ મતદાન કરી શકાશે. મતદારોને પોતાનું મતદાન મથક અગાઉથી જાણી લેવા અને સમયસર પહોંચવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડિજિટલ સુવિધા
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરાશે.
રાજ્ય ચૂંટણી આયોગે તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ચૂંટણી સંબંધિત વધુ વિગતો માટે આયોગની સત્તાવાર વેબસાઇટ sec.gujarat.gov.in તેમજ મતદાર યાદી અને કેન્દ્રની માહિતી માટે secsearch.gujarat.gov.in/search/default.aspની મુલાકાત લઈ શકાશે.




